વડોદરા ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા, ખાસ કરીને એમ.એસ. યુનિવર્સિટી અને રાજ્યની શાળાઓની સ્થિતિ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
- શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા કૌભાંડો અને કથળતી ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી.
- શાળાઓમાં શિક્ષકો અને સુવિધાઓનો અભાવ
- ડભોઇની ઘટના પર નિવેદન આપ્યું.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે એમ.એસ. યુનિવર્સિટીમાં “જીકાસ”ના નામે ગેરવ્યવસ્થા ચાલી રહી છે. આજે પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રઝળી રહ્યા છે, જ્યારે યુનિવર્સિટીનું રેન્કિંગ સતત ઘટી રહ્યું છે. તેમણે યુનિવર્સિટીના બે પૂર્વ વાઇસ ચાન્સેલર (VC) પર ગંભીર આક્ષેપો મૂક્યા. તેમણે જણાવ્યું કે પૂર્વ વીસી પરિમલ વ્યાસે ભરતીમાં કૌભાંડ આચર્યું હતું, જેનો રિપોર્ટ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી
તેમણે પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવને પણ નિશાન બનાવ્યા. તેમણે કહ્યું કે શ્રીવાસ્તવ લાયક ન હોવા છતાં વીસી બન્યા હતા અને રાજ્ય સરકારે તેમને બચાવ્યા. તેમણે એસ.પી. યુનિવર્સિટીના પૂર્વ વીસી શિરીષ કુલકર્ણીનો પણ ઉલ્લેખ કર્યો, જેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. દોશીએ ભાજપ અને આરએસએસ પર આરોપ મૂક્યો કે તેઓ પોતાના માણસોને યુનિવર્સિટીમાં મૂકીને શિક્ષણને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ભાગીદારી અને હિસ્સેદારીને કારણે ગુજરાતનું શિક્ષણ પાછળ ધકેલાઈ રહ્યું છે.
મનીષ દોશીએ રાજ્યની શાળાઓની દયનીય સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી શારીરિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી, અને કમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી થઈ રહી નથી. સરકાર “રમશે ગુજરાત”ની વાત કરે છે, પરંતુ 7,000 શાળાઓમાં રમવા માટે મેદાન જ નથી. તેમણે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે રાજ્યમાં 2,936 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે, અને શાળાઓમાં 42,000 ઓરડાઓની ઘટ છે
મનીષ દોશીએ ડભોઇની શિનોર રોડ 2 વસાહતની પ્રાથમિક શાળાની તાજેતરની ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે, તમાકુ મંગાવવાનું નહીં. તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે તે શિક્ષકોને શિક્ષણ સિવાયના અન્ય કામોમાં જોતરી રહી છે, જેના કારણે તેઓ યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે રાજ્યમાં મોટાભાગની શાળાઓ અને શૈક્ષણિક સંકુલોની 100 મીટરની અંદર પાન, પડીકી અને તમાકુની દુકાનો આવેલી છે, જે શૈક્ષણિક વાતાવરણ માટે અત્યંત હાનિકારક છે. મનીષ દોશીના આ નિવેદનોએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે