વડોદરા: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસે “ઓપરેશન પરાક્રમ” હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી ₹1.47 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
🚨ઓપરેશનની વિગત: ચોક્કસ બાતમી અને ફિલ્મી ઢબે પીછો
રેન્જ આઈ.જી. સંદીપ સિંગ અને એસપી સુનિલ અગ્રવાલની સૂચના મુજબ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI ભૂપતભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, કર્ણાટક પાસિંગની એક ટ્રક (KA 51 AL 1698) માં દારૂનો મોટો જથ્થો સુરત-ભરૂચ થઈ વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે સાપા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર નાકાબંધી કરી ટ્રકને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી.
✍️મુદ્દામાલની આંકડાકીય વિગત:
પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરથી પૂંઠાના બોક્સમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી:
વિદેશી દારૂની પેટીઓ: 985 પેટી (કુલ 47,280 બોટલ)
દારૂની કિંમત: ₹1,47,51,360/-
ટાટા ટ્રકની કિંમત: ₹15,00,000/-
કુલ જપ્ત મુદ્દામાલ:₹1,62,56,360/-
🧐આરોપીની ધરપકડ અને ગોવા કનેક્શન
પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ભવરલાલ મોટારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી લીધો છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે:
આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રાજેન્દ્ર ઉર્ફેરાજેશકુમાર બિશ્નોઈ નામના શખ્સે ગોવાના મડગાવ પાસે ભરાવી આપ્યો હતો અને આ જથ્થો આણંદ ખાતે પહોંચાડવાનો હતો.
👮પોલીસ કાર્યવાહી:
LCB દ્વારા પકડાયેલા ડ્રાઈવર અને દારૂ સપ્લાય કરનાર રાજેન્દ્ર બિશ્નોઈ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.