- રૂ. 17.75 લાખની ઠગાઈ: ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 મકાનો અપાવવાના નામે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા.
- નકલી સબ રજિસ્ટ્રાર પહોંચો રજૂ કરી: કચેરીના નકલી સિક્કા અને બનાવટી વેચાણ દસ્તાવેજો આપીને વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરાયો હતો.
- ચેક પણ બાઉન્સ થયા: નાણાં પરત માંગતા આરોપી ઝીલ બારોટે આપેલા રૂ. 12.75 લાખના ચેક બેંકમાંથી રીજેક્ટ/બાઉન્સ થયા.
- પોલીસમાં અરજી કરાઈ: સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખુલાસો થયા બાદ ભોગ બનનાર સુરેશભાઈ ગુપ્તાએ પોલીસ કમિશનર કચેરીમાં ન્યાય માટે અરજી કરી
વડોદરા શહેરમાં સસ્તા ભાવે ઘરનું ઘર ખરીદવાની લાલચ આપીને નાગરિકોને ઠગતી ટોળકીઓ વધુ એકવાર સક્રિય થઈ છે. શહેરના સૂર્યનગર વિસ્તારમાં રહેતા અને બરોડા ડેરીનું સેન્ટર ચલાવતા વેપારીને ખટંબા અર્બન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે મકાનો અપાવવાની ખાતરી આપીને રૂ. 17.75 લાખની મસ્તમોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહક અને દૂધ-છાસનો વ્યવસાય કરતા સુરેશભાઈ સૂર્યનારાયણ ગુપ્તાની પરિચિત રાજુભાઈ રાઠવા મારફતે ફેબ્રુઆરી 2021 માં ઝીલ અશોકકુમાર બારોટ નામના શખ્સ સાથે મુલાકાત થઈ હતી. ઝીલ બારોટે ખટંબા અર્બન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે મકાનો બતાવ્યા હતા અને એક મકાનની કિંમત રૂ. 11 લાખ નક્કી કરી હતી. સુરેશભાઈએ એક મકાન પોતાની પત્ની રંજનાબેન અને બીજું મકાન ભાભી કંચનબેનના નામે ખરીદવાનું નક્કી કરી ટોકન પેટે રૂ. 7 લાખના ચેક તેમજ આરટીજીએસ (RTGS) મારફતે રૂ. 10.75 લાખ મળી કુલ રૂ. 17.75 લાખ ચુકવ્યા હતા.
લાખો રૂપિયા મેળવ્યા બાદ ઝીલ બારોટે સબ રજિસ્ટ્રાર કચેરીના સિક્કાવાળી પહોંચો અને વેચાણ દસ્તાવેજોની ઝેરોક્સ નકલો આપી હતી. જોકે, સુરેશભાઈએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ તપાસ કરતા આ પ્રકારનો કોઈ જ દસ્તાવેજ નોંધાયો ન હોવાનું અને આપેલી પહોંચો સંપૂર્ણપણે બનાવટી હોવાનું ખુલ્લું પડ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા સુરેશભાઈએ નાણાં પરત માંગ્યા હતા, પરંતુ ઝીલ બારોટે આપેલા રૂ. 11 લાખ અને રૂ. 1.75 લાખના બંને ચેક પણ બેંકમાંથી બાઉન્સ થયા હતા. આખરે ભોગ બનનાર વેપારીએ આ સમગ્ર બનાવટી દસ્તાવેજ અને ઠગાઈ અંગે વડોદરા પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.