- પોલીસે બાતમીના આધારે આજોડ ગામની સીમમાં ઓમકારપુરા તરફ જવાના રસ્તા પર આઈસર ટેમ્પો માંથી 1100 પેટી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો
- આઈસર ચાલકે શરાબનો જથ્થો ભરેલી આઈસર આપનાર શખ્સનું નામ ધર્મારામ ઉર્ફે ધર્માજી બિશ્નોઈ હોવાનું સામે આવ્યું
- આઈસર ચાલકને +77 થી શરુ થતા આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધર્મારામ ઉર્ફે ધર્માજી બિશ્નોઈ શરાબનો જથ્થો પહોચાડવાની સુચના આપતો !
- બિશ્નોઈ ગેંગ હવે પોલીસના ટ્રેસિંગથી બચવા +77 થી શરુ થતા આંતરરાષ્ટ્રીય નંબરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું
વડોદરા જીલ્લાના મંજુસર પોલીસ મથકની હદમાં આજોડ ગામની સીમમાં મોટા પ્રમાણના વિદેશી શરાબના કટિંગને ઝડપી પાડીને બિશ્નોઈ ગેન્ગના શરાબના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસ પકડથી બચવા માટે ઇન્ટરનેશનલ મોબાઈલ નંબરનું કનેક્શન પણ ખુલવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે આજોડ ગામની સીમમાં ઓમકારપુરા તરફ જવાના રસ્તા પર કેરલા પાર્સીંગની આઈસરને રોકીને તપાસ કરતા ડ્રાઈવર સહીરામ બિશ્નોઈએ બાર બ્રાસ બોલવાલ્વ હોવાનું ઈ-વે બીલ રજુ કર્યું હતું. પોલીસને શંકા જતા આઈસરમાં તપાસ કરતા તેમાં વિપુલ પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના જોધપુરના રહેવાસી સહીરામ બિશ્નોઈની ધરપકડ કરીને શરાબના જથ્થાની ગણતરી શરુ કરી હતી. આ ગણતરીમાં કુલ 1100 પેટીમાં 52,800 જેટલી શરાબની નાની મોટી બોટલ મળી આવતા 79.20 લાખનો વિદેશી શરાબ કબજે લીધો હતો.
પકડાયેલા આઈસર ચાલક સહીરામ બિશ્નોઈની પોલીસે પૂછપરછ કરતા શરાબનો જથ્થો ભરેલી આઈસર આપનાર વ્યક્તિ તરીકે ધર્મારામ ઉર્ફે ધર્માજી બિશ્નોઈનું નામ ખુલ્યું હતું. અને આ વ્યક્તિ ડ્રાઈવર સાથે +77 સાથેના ઇન્ટરનેશનલ નંબરથી સંર્પક કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. શરાબનો જથ્થો ક્યાં પહોચાડવાનો છે તેની સુચના ઇન્ટરનેશનલ અનટ્રેસેબલ નંબર પરથી મળતી હતી. વિદેશી શરાબના વેપલામાં હવે બુટલેગરો અંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોલીસના ટ્રેકિંગ નેટવર્કથી બચવા માટે નવા નવા કીમિયા શોધી કાઢતા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા 79.20 લાખના વિદેશી શરાબના જથ્થા સાથે આઈસર ટ્રક મળીને પોલીસે 89.29 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જયારે આંતરરાષ્ટ્રીય નંબર પરથી સંર્પક કરીને શરાબનું નેટવર્ક ચલાવતા ધર્મારામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ આરંભી છે.