વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક ભાજપના કાર્યકરને મળેલા ટ્રાફિક મેમોએ એવો વળાંક લીધો કે હવે ભાજપના કાર્યકર્તાઓ પોલીસની કામગીરી પર નજર રાખવા માટે રસ્તા પર ઉતરશે.
વડોદરાના વોર્ડ નં. 14માં ટ્રાફિક શિસ્ત અને રાજકીય દબાણ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે વોર્ડ મહામંત્રી પ્રતીક શાહે મુખ્ય માર્ગ પર પોતાનું વાહન પાર્ક કર્યું હતું. ટ્રાફિક પોલીસે નિયમ મુજબ ફોટો પાડી દંડનીય કાર્યવાહી કરતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
આ મામલે સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડીયા અને પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સમક્ષ ઉગ્ર રજૂઆત કરી. કોર્પોરેટરનો તર્ક હતો કે ગલીઓમાં જગ્યા ન હોવાથી રહીશો મુખ્ય માર્ગ પર વાહન પાર્ક કરે છે, તો દંડ કેમ? સામે પક્ષે PIએ સ્પષ્ટ કર્યું કે મુખ્ય માર્ગ પર પાર્કિંગ એ ટ્રાફિક નિયમનો ભંગ છે. આ ચર્ચાએ જોતજોતામાં ઉગ્ર રકઝકનું સ્વરૂપ ધારણ કરી લીધું.
🧐મુખ્ય મુદ્દાઓ અને આક્ષેપો:
- હપ્તાખોરીના આક્ષેપ: ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો કે પોલીસ ચોકી અને બેરિકેટ્સને કારણે ટ્રાફિક જામ થાય છે. વધુમાં, સાંજે 5 થી 7 દરમિયાન રિક્ષાઓ પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ ‘હપ્તા’ લઈને તેમને પ્રવેશવા દે છે.
- પોલીસનું વલણ: વિવાદ વધતા PIએ કડક શબ્દોમાં જણાવ્યું, “અમારે તમારી કોઈ જરૂર નથી, અમને અમારી કામગીરી કરવા દો.”
મામલો વણસતા જોઈન્ટ સીપી લીના પાટીલ હરકતમાં આવ્યા હતા. તેમણે તાત્કાલિક અસરથી પ્રતિબંધિત સમયમાં ફરતી રિક્ષાઓ સામે દંડનીય કાર્યવાહી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, વિવાદ હજુ શાંત થયો નથી. ભાજપના કાર્યકર્તાઓએ હવે ‘વોચડોગ’ની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે. આજથી એક સપ્તાહ સુધી કાર્યકરો માંડવી અને પાણીગેટ દરવાજા પર હાજર રહી તપાસશે કે પોલીસ બેધારી નીતિ રાખે છે કે પક્ષપાત વગર કામ કરે છે. સાથે જ નડતરરૂપ પોલીસ ચોકી હટાવવા માટે પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.