- પીએમ મોદીના મ્યુઝિયમની માંગ: કલેક્ટર કચેરી સામે પીએમ નરેન્દ્ર મોદી અને હીરાબાના જીવનમૂલ્યો દર્શાવતું મ્યુઝિયમ બનાવવા જમીન ફાળવવા માંગ.
- બાળકો માટે રમતગમત કેન્દ્ર: ડિજિટલ યુગમાં બાળકોના શારીરિક વિકાસ અને મેદાની રમતો પ્રોત્સાહિત કરવા ક્રીડાંગણ બનાવવાની રજૂઆત.
- યુસુફ પઠાણ જમીન વિવાદ: 20 કરોડની જમીન 5 કરોડમાં આપવાના વડોદરા પાલિકાના નિર્ણય સામે વિપક્ષી વિરોધ વચ્ચે બેનરો પ્રગટ થયા.
- સમાન તકની માંગ: અન્ય રમતવીરોને પણ રાહત દરે જમીન ફાળવવાની ચર્ચાઓ વચ્ચે ક્રિકેટ હિત રક્ષક સમિતિની અપીલથી રાજકારણ ગરમાયું.
સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને જમીન ફાળવવાના નિર્ણય સામે વિરોધ અને ચર્ચાઓનો દોર યથાવત છે, ત્યારે હવે આ મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. કલેક્ટર કચેરી સામે આવેલા મલ્હાર પોઈન્ટ પર ‘ક્રિકેટ હિત રક્ષક સમિતિ’ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી હીરાબાના જીવન પર આધારિત મ્યુઝિયમ તેમજ બાળકો માટે રમતગમત કેન્દ્ર બનાવવા માટે જમીન ફાળવવાની માંગ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.
ક્રિકેટ હિત રક્ષક સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા આ બેનરોમાં વડાપ્રધાનના ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને ઉજાગર કરતું મ્યુઝિયમ વડોદરાના મધ્યસ્થ વિસ્તારમાં બનાવવાની માંગ કરાઈ છે. આ સાથે જ આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ટીવીમાં વ્યસ્ત રહેતા બાળકોના શારીરિક વિકાસ માટે રમતગમતની સુવિધાઓ ઊભી કરવા અને ક્રીડા કેન્દ્ર માટે સરકારી જમીન ફાળવવાની રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા યુસુફ પઠાણને આશરે રૂ. 20 કરોડની કિંમત ધરાવતી જમીન માત્ર રૂ. 5 કરોડના રાહત દરે ફાળવવાના નિર્ણય સામે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેલાડીઓ અને અન્ય રમતવીરોને પણ સમાન ધોરણે જમીન ફાળવવાની માંગ ઉઠી રહી છે. તેવામાં કલેક્ટર કચેરીની બિલકુલ સામે લાગેલા આ બેનરોને કારણે વડોદરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જમીન ફાળવણીનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે.