Vadodara

પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

Published

on

  • મોટો ડ્રગ્સ જથ્થો ઝડપાયો: પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી 11.855 કિલો ગાંજો મળી આવ્યો, જેની કિંમત રૂ. 5.92 લાખ છે.
  • વરણામા પાસે બિનવારસી બેગ મળી: ટ્રેનના જનરલ કોચના કોરિડોરમાંથી મરૂન અને વાદળી રંગની બેગ પોલીસના ડરે મૂકીને શખ્સ ફરાર થયો.
  • NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: ANWના પીએસઆઈની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ મથકે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરાઈ.
  • આંતરરાજ્ય તપાસનો ધમધમાટ: નશાકારક પદાર્થોની હેરાફેરીનું નેટવર્ક તોડી પાડવા માટે રેલવે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે.

    પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના માધ્યમથી થતી નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરીને ડામવા માટે શરૂ કરવામાં આવેલા ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન અંતર્ગત વડોદરા પંથકમાં મોટી સફળતા હાંસલ થઈ છે. પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ચેકિંગ દરમિયાન પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી અંદાજે 11.85 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે પોલીસના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક કે.એમ. ડામોર અને પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય સ્તરે ટ્રેનો મારફતે ચાલતી ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ANWની ટીમ નંદુરબાર રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

    દરમિયાન, સવારે આશરે 7:10 વાગ્યે ટ્રેન વરણામા રેલવે સ્ટેશન પસાર થઈ રહી હતી ત્યારે એન્જિન તરફના ભાગે આવેલા બે જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાંથી મરૂન અને વાદળી રંગની બે શંકાસ્પદ બેગ મળી આવી હતી. પોલીસ દ્વારા આ બેગની તલાશી લેતા તેમાંથી કુલ 11.855 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 5,92,750/- આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે પોલીસ ચેકિંગ કે પકડાઈ જવાના ડરે કોઈ અજાણ્યો શખસ આ માલ કોચમાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

    આ મામલે ANWના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રઘુભાઈ રાજાભાઈ આલની ફ ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ 8(સી), 20(બી)(આઈ)(બી) હેઠળ ગુનો નોંધીને ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસે બિનવારસી જથ્થો કબ્જે કર્યો છે, પરંતુ આટલી મોટી માત્રામાં નશાકારક પદાર્થ ટ્રેનમાં ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું હતું અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં રેલવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    Trending

    Exit mobile version