અકસ્માત કે માનવવધ?
જિલ્લાના કોઠાવ ગામની સીમમાં ખેતરમાં ગયેલા સાળા-બનેવીને તેઓના નજીકના ખેતરોમાં પશુઓ ભેલાણ ન કરે તે માટે લગાવવામાં આવેલ 240 વોલ્ટના ઝાટકા તારનો વીજ પ્રવાહનો કરંટ લાગતા મોત નીપજતા સનસનાટી મચી ગઇ છે. નોંધનીય છે કે ખેતરોમાં પશુઓને રોકવા માટે ઝાટકા તારમાં સામાન્ય વીજ પ્રવાહ છોડવામાં આવતો હોય છે. પરંતુ RSSના વડોદરા જિલ્લા કાર્યવાહક અને ખેતર માલિક દ્વારા 240 વોલ્ટનો ઝાટકા વીજ પ્રવાહના તાર લગાવવામાં આવ્યા હતા. ઝાટકા વીજ પ્રવાહના કારણે મોતને ભેટેલા સાળા – બનેવીને શોધવા માટે ખાનગી ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કરજણ પંથકમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે કરજણ પોલીસે ખેતર માલિક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખેડા જિલ્લાના મહુધા ગામના વતની અને હાલ કોઠાવ ગામમાં પત્ની નાથીબેન અને માતા સાથે રહેતા વિજયભાઇ રતિલાલ પટેલ અને વેમાર ગામે રહેતા તેમના પિતરાઇ સાળા ચંદ્રકાન્ત સુરેશભાઇ વસાવા સાથે તારીખ 14 ના રોજ રાત્રે ખેતરમાં વાવણી કરેલ ઘઉંમાં પાણી લેવાનું હોવાથી મોટરસાયકલ ઉપર ગયા હતા.
દરમિયાન તેઓના ખેતર નજીક આવેલા કોઠાવ ગામના રહેવાસી અને RSSના જિલ્લા કાર્યવાહક સંજયભાઇ નગીનભાઇ પટેલે પોતાના ખેતરમાં પશુઓ ઘૂસી ન જાય અને પાકનું ભેલાણ ન કરે તે માટે સામાન્ય રીતે ઝાટકા મારતો વીજ પ્રવાહના તાર લગાવવાના બદલે તેઓએ 240 વોલ્ટ વીજ પ્રવાહ વાળો ઝાટકા તારની ફેન્સીંગ કરેલી હોઇ, વિજયભાઈ પટેલ અને તેમનો સાળો ચંદ્રકાંત વસાવા ઝટકા તારને અડી જતા મોતને ભેટ્યા હતા.
પતિ વિજય અને પિતરાઈ ભાઇ ચંદ્રકાંત વસાવા વહેલી સવાર સુધી ઘરે પરત ન ફરતા વિજયભાઈની પત્ની નાથીબેન પટેલે ગામમાં રહેતા તેમજ ખેતર માલિક ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલને જાણ કરી હતી. તે સાથે તેમના ચોટીલા ખાતે ખેતી કરતા દિયર વિનોદભાઈ રતિલાલ પટેલને જાણ કરતા તેઓ તેમની પત્ની સાથે દોડી આવ્યા હતા અને ખેતરમાં ગુમ થયેલા ભાઈ અને તેમના સાળાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જો કે તેમની મોટરસાયકલ નજીકના એક ખેતર પાસેના કુવા પાસે મળી આવી હતી.
મોટા ભાઈ વિજય પટેલ અને તેમનો સાળો ચંદ્રકાંત વસાવા મળી ન આવતા ખાનગી ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કોઠાવ ગામમાં રહેતા અને આરએસએસ સાથે સંકળાયેલા સંજયભાઈ નગીનભાઈ પટેલના ખેતર પાસેથી બંનેના મૃતદેહ જણાઈ આવતા તેઓએ ગામના અગ્રણીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બંને મૃતદેહોની ઓળખ કરી હતી. બંનેના મૃતદેહ નીચે વીજ તાર જોવા મળ્યો હતો.
દરમિયાન વિનોદભાઈ પટેલે આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને કરતા કરજણ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેઓનું ઝાટકા વીજ તારનો કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનું જણાય આવતા પોલીસે MGVCL ની મદદ લીધી હતી. MGVCL ની ટીમ તુરતજ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તપાસ કરતા સંજયભાઈ પટેલે ખેતરમાં પશુઓ ન જાય તે માટે લગાવેલા તાર ઉપરનો વીજ પ્રવાહ તપાસતા 240 વોલ્ટનો બીજ પ્રવાહ તારમાં છોડ્યો હોવાનું જણાય આવ્યું હતું.
દરમિયાન પોલીસે સાળા – બનેવીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને બીજી બાજુ વિનોદભાઈ રતિલાલ પટેલની ફરિયાદના આધારે ખેતર માલિક અની RSS ના જિલ્લા કાર્યવાહક સંજયભાઈ નગીનભાઈ પટેલ સામે જાણી બુજિને 240 વોલ્ટનો ઝટકા વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ઝાટકા વીજ કરંટથી મોતને ભેટેલા વિજયભાઈ પટેલના પિતા રતિલાલ પટેલે સમાજમાં છોકરીઓ મળતી ન હોવાના કારણે મીઠી ગામમાં રહેતા અંબાલાલ વસાવાની દીકરી ઇન્દિરાબેન સાથે વર્ષો પૂર્વે લગ્ન કર્યા હતા. જેમાં તેમને બે સંતાનો છે. જેમાં મોટો વિજય પટેલ અને નાનો વિનોદ પટેલ છે. વર્ષ 2008 માં પિતા રતિલાલ પટેલનું અવસાન થયા બાદ બંને પુત્રો વિજય અને વિનય માતા સાથે સીમડી ગામમાં મામાના ઘરે રહેવા ગયા હતા.
દરમિયાન વિજયભાઈનું લગ્ન વેમાર ગામમાં રહેતા મગનભાઈ વસાવાની દીકરી નાથીબેન સાથે કર્યા હતા તેઓને સંતાનમાં બે પુત્રો વિશ્વાસ અને યુવરાજ તેમજ છાયા નામની દીકરી છે. વિજયભાઈનું ઝાટકા વીજ પ્રવાહના કારણે મોત નીપજતા બાળકોને પિતાની છત્રછાયા ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.