વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં રામનવમીના દિવસે શોભાયાત્રા યોજનાર હિંદુ સંગઠન અને RSS સાથે જોડાયેલા બે કાર્યકરો પર પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ધરપકડ કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આગેવાનો જીલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવી પહોચ્યા હતા. અને કિન્નાખોરી થી કામ કરતા સાવલી પી.એસ.આઈની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી.
રાજ્યમાં આશરે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું મજબુત શાસન ચાલી રહ્યું છે. ભાજપના મોટા ભાગના નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા ધરાવતા નેતાઓ છે. રાજ્યના ભાજપ શાસનના લગભગ તમામ મુખ્યમંત્રીઓનું ગોત્ર RSS છે. છતાય આજે ઇતિહાસમાં પહેલી વાર RSSના કાર્યકરો પર થઇ રહેલી ખોટી ફિરયાદ મામલે આગેવાનો જીલ્લા કલેકટરના દ્વારે પહોચ્યા હતા.
સાવલીમાં થોડા સમય પહેલા RSSના એક કાર્યકર પર પાસા દરખાસ્ત કરવામાં આવી હતી. અને તેણે સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જે અંગે ગૃહ વિભાગ સુધી રજૂઆત થયા બાદ ત્રણ દિવસમાં RSSના કાર્યકર્તાને મુક્ત કરવામાં આવ્યો હતો. જયારે હવે રામનવમીએ સાવલી નગરમાં શોભાયાત્રા યોજનાર RSS અને હિંદુ સંગઠન સાથે જોડાયેલા બે કાર્યકરોને પોલીસે ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
પોલીસનું કહેવું છે કે, બંને યુવાનોએ એક પોલીસ જવાનને જાતિવિષયક અપશબ્દો બોલીને ધમકી આપી હતી. જેથી પોલીસે તેઓ સામે કાર્યવાહી કરી છે. જોકે આક્ષેપ તો એવા પણ સામે આવ્યા છે કે, સાવલી પીએસઆઈ અનિરુદ્ધસિંહ કામલીયાએ તેમાંથી એક યુવાનને બેભાન ન થાય ત્યાં સુધી ઢોર માર માર્યો છે.
સમગ્ર મામલે ગત રાત્રીના સમયે RSS અને હિંદુ સંગઠનોએ પોલીસ મથકની બહાર મોરચો માંડીને રામધુન બોલાવી હતી. જેમાં એક અગ્રણીએ આત્મવિલોપણનો પ્રયત્ન કર્યો હતો. આજે RSS સહીત હિંદુ સંગઠનોએ જીલ્લા કલેકટરને આ બાબતે ધારદાર રજૂઆત કરી હતી. પોલીસ અધિકારીની શંકાસ્પદ ભૂમિકા પર સવાલો ઉભા કરીને તેઓને તાત્કાલિક ધોરણે સાવલી માંથી બદલી કરવાની માંગ હિંદુ સંગઠનોએ ઉઠાવી હતી.
સમગ્ર વિવાદમાં સાવલી ભાજપના ધારાસભ્ય કેમ રસ નથી લેતા ?
મામલો RSSનો હોય અને ભાજપના નેતાની ચુપકીદી?,આ વાત ગળે ઉતરે તેમ નથી. જોકે સાવલીનું ચિત્ર કઈક અલગ છે. સાવલીમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારને સ્થાનિક RSSના નેતાઓ સાથે સારા સબંધો નથી તે જગજાહેર છે. એટલું જ નહિ વર્ષ 2023ના માર્ચમાં સાવલી ધારાસભ્યના ભાઈ સંદીપ ઈનામદાર પર જે અનીલ પ્રેમશંકર મિસ્ત્રીએ મારામારીની ફરિયાદ કરી હતી. તે અનીલ મિસ્ત્રી ગતરોજની ઘટનામાં પોલીસે જેને આરોપી બનાવ્યો છે તે પાર્થ મિસ્ત્રીના પિતા છે. પિતાએ ધારાસભ્યના ભાઈ પર પોલીસ ફરિયાદ કરી હોય તો ધારાસભ્ય શાને માટે તેઓના પક્ષમાં રજૂઆત કરીને તેઓ સાથે ઉભા રહે? જોકે RSSને ભાજપની સરકારમાં પોતાની લડાઈ જાતે લડવાની નોબત આવી હોય તેવો કદાચ રાજ્યનો પ્રથમ કિસ્સો હોઈ શકે!