જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં
વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.
પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી
આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
Advertisement
વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી
13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.