મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાની અસર વડોદરા સુધી: ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો.
- કોમર્શિયલ ગેસ ડિલિવરી પર કંટ્રોલ, ઘરેલુ ગેસ માટે લોકોમાં ભારે ફફડાટ.
- CM ભૂપેન્દ્ર પટેલની અપીલ: “ગભરાશો નહીં, ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.”
- જિલ્લા કલેક્ટર કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ: દોઢ કલાકમાં જ 75 થી વધુ ફરિયાદોનો મારો.
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધની સીધી અસર હવે વડોદરાના રસોડા સુધી પહોંચી છે. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે પેટ્રોલિયમ પેદાશો અને ખાસ કરીને ગેસ સિલિન્ડરના પુરવઠાને લઈને જનતામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.
યુદ્ધની વૈશ્વિક અસરને પગલે વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર કંટ્રોલ લાદવામાં આવ્યો છે. બીજી તરફ, ઘરેલુ ગેસ મેળવવા માટે ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના વાઘોડિયા રોડ, સમા અને બાજવા જેવા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં ગેસ સિલિન્ડર માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા લોકો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
🧐સરકાર અને તંત્રની કામગીરી:
જનતાના આ ગભરાટને દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ખોટી રીતે ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની જરૂર નથી.
📠કલેક્ટર કચેરીમાં કંટ્રોલરૂમ:
લોકોની ફરિયાદોના નિવારણ માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ સવારથી જ ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
- કંટ્રોલરૂમ શરૂ થયાના માત્ર દોઢ કલાકમાં જ 70 થી 75 જેટલા ફોન આવ્યા હતા.
- તંત્ર દ્વારા ગ્રાહકોને ઝોન મુજબના કોન્ટેક્ટ નંબર આપી તેમની સમસ્યાઓ ઉકેલવા ખાતરી આપવામાં આવી રહી છે.