- PM મોદી રોડ-શો ની જેમ લોકોનું અભિવાદન ઝીલતા ખોડિયાર નગર પાસેના ટાટા એરબસ એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
આજે રાત્રે સ્પેનના વડાપ્રધાન અને તેમના પત્ની વડોદરા આવી પહોંચશે. આવતી કાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરાની મુલાકાતે આવશે. તેઓ રોડ-શો ની જેમ લોકોનું અભિવાદન ઝીલતા ખોડિયાર નગર પાસેના ટાટા એરબસ એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. અને ત્યાર બાદ શિડ્યુલ્ડ કાર્યક્રમોમાં હાજરી આપશે. બે દેશોના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવનાર હોવાથી શહેરને અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે.
આવતી કાલે ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે. સ્પેનના વડાપ્રધાન, તેમના પત્ની અને ડેલીગેટ્સ આજે રાત્રે જ શહેરમાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ એરપોર્ટથી લઇને તેમના કાર્યક્રમ સ્થળ સુધીના રૂટમાં નવવધુની જેમ સજાવટ-ધજાવટ કરવામાં આવી છે. વડોદરાવાસીઓએની કલ્પનાનું શહેર આજે ખુણે ખુણે જોવા મળી રહ્યું છે. બે દેશોના વડાપ્રધાન અને ડેલિગેશનની મુલાકાતને પગલે એરપોર્ટ પર વિઝીટર માટે નો એન્ટ્રી ફરમાવી દેવામાં આવી છે. સાથે જ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે આધુનિક ઉપકરણો કાર્યક્રમ સ્થળે ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. આ મુલાકાત ટાણે 10 થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ લેન્ડ થવાની હોવાથી મોડી રાત સુધી વડોદરા એરપોર્ટ લોખંડી વ્યવસ્થા સાથે ધમધમતું રહેશે. દરમિયાન વિતેલા 24 કલાકમાં બે વખત વડાપ્રધાનના રૂટ પર સિક્યોરીટી કોન્વોયનું રીહર્લસ કરવામાં આવ્યું છે. જેને પગલે લોકોમાં ભારે ઉત્સુકતા લાગી રહી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારએ જણાવ્યું કે, 28, ઓક્ટોબરના રોજ બે દેશોના મહાનુભવોની વીઆઇપી સુરક્ષાને લઇને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એક અઠવાડિયાથી વિસ્તૃત પ્લાનીંગ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા સંભાળતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના 3500 થી વધુ અધિકારી અને બહારથી આવેલા 10 થી વધુ IPS ઓફીસર્સ, 50 ACP, PI, PSI, તથા અન્ય સંવર્ગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટથી લઇને કાર્યક્રમ સ્થળ સુધી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.