- કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પરંતુ તેનો ઉકેલ લાવવાવાળું કોઇ નથી. આ જોઇને સ્થાનિકોમાં રોષની લાગણી
વડોદરા પાલિકા ના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઇન નાંખવાની કામગીરી નબળી રીતે કરવામાં આવતી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. કોઇ પણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીછમાં પાણીની લાઇમાં ભંગાણ સર્જાતા માનવસર્જિત ફુવારો સર્જાયો હતો. જેને પગલે હજારો લિટર પાણીનું વેડફાઇ ચુક્યું છે. આ અગાઉ પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું હતું. આમ, વિતેલા એક સપ્તાહમાં બે વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.
વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી કામગીરી સૌ કોઇ જાણે જ છે. અને નબળી કામગીરી અવાર-નવાર ખુલ્લી પડતી જ રહે છે. ત્યારે વધુ એક વખત પાલિકાના પાણીની લાઇન નાંખતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે. શહેરના મચ્છીપીછ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા માનવ સર્જિત ફુવારો સર્જાયો હતો. અચાનક ફુવારો સર્જાતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પરંતુ તેનો ઉકેલ લાવવાવાળું કોઇ નથી. આ જોઇને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી રહી છે.
આ પાણીના ફુવારા પાસે કોઇ પણ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું નથી. તેમ છતાં અચાનક પાણીનો ફુવારો સર્જાતા લોકોના આશ્ચર્યમાં ઉમેરો થવા પામ્યો છે. આ સાથે જ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ છે. જેનું આજદિન સુધી કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હવે સ્થાનિકોને નડતા મહત્વના પ્રશ્ને કેટલા સમયમાં કામગીરી થાય છે તે જોવું રહ્યું.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાતા વરસાદની જેમ પાણી ભરાયા હતા. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા તેને ઉલેચવું પડ્યું હતું. અને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. અને ત્યાર બાદ હવે આજે પાણીના વેડફાટની ઘટના સામે આવી છે. આમ, એક સપ્તાહ જેટલા સમયમાં બે વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને પરિચય કરાવતી ઘટના સામે આવતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.