રાજ્યના મુખ્યમંત્રીએ અચાનક જ રવિવારના દિવસે પોતાના મંત્રી મંડળની બેઠક બોલાવતા આશ્ચર્ય સર્જાયું છે. રાજકીય મોરચે ચાલતી ચર્ચાઓએ આ મંત્રી મંડળની બેઠકની જાહેરાતથી અનેક વાતોને હવા આપી દીધી છે. જેમાં ગુજરાતના રાજકારણમાં કઈક નવાજુની થવાના એંધાણ પણ આવી રહ્યા છે.
આમ તો દર બુધવારે કેબીનેટની બેઠક મળે છે. જોકે આ વખતે નિયત સમય કરતા ચાર દિવસ પહેલા જ કેબીનેટની બેઠકની જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણની પણ રાહ જોવાઈ રહી છે. ત્યારે રવિવારે જ કેબીનેટની બેઠકે અનેક સવાલો ઉભા કર્યા છે. વિસ્તરણને લઈને અગાઉ ઘણી વાર વાતો ઉડવા પામી છે. જોકે ત્યારે કોઈ નક્કર અંદેશા આવ્યા ન હોવાથી વાતને વજન મળતું ન હતું. જયારે આ વખતે જવલ્લે જ થાય તેવી તૈયારીઓ ભાજપમાં જોવા મળી રહી છે.
રવિવારે કેબીનેટ બેઠક અને મંગળવારે દિવાળી પહેલાનું સ્નેહમિલન સંમેલન!
સરકારમાં ચાલી રહેલા ગણગણાટ વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કેબીનેટની બેઠકના તુરંત બે દિવસ બાદ કોબા કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યોના સ્નેહમિલન સંમેલનની પણ જાહેરાત થઇ ગઈ છે. નૂતનવર્ષે થતા સ્નેહમિલન સંમેલન દિવાળી પહેલા કેમ? તેવા અનેક પ્રશ્નો થાય! જોકે કોઈ નવા મહેમાન કે હોદ્દેદારના વધામણા હોય તો સામાન્ય રીતે આવા સ્નેહમિલન સંમેલન થતા હોય છે. જેથી સરકારની આગામી કેબીનેટની બેઠકના એજન્ડાના કેટલાક અંશ આ સ્નેહમિલન સંમેલનના આમંત્રણમાં જોવા મળી રહ્યા છે.
કોઈ નવા ઉત્સવ ઉજાણીની જાહેરાત?
મહત્વનું છે કે, મંત્રી મંડળનું વિસ્તરણ થશે કે કેમ? તે મામલે હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન સરકાર તરફથી આપવામાં આવ્યું નથી.જોકે 7 ઓક્ટોબર સોમવારે નરેન્દ્ર મોદી વહીવટીય ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પુરા થઇ રહ્યા છે. જેથી 23 વર્ષ પુરા થતા હોય વિશેષ ઉજવણીના આયોજનો પણ ગોઠવાય તેવી ચર્ચા ચાલી રહી છે!