બોલો સાળંગપુરમાં ધર્મશાળા બુકિંગના નામે ફ્રોડ થતું હોવાનું સામે આવ્યું, રૂપિયા લઈને પણ ઓનલાઈન બુકિંગ થઈ નથી રહ્યું
- સાળંગપુર ટ્રસ્ટના નામની વેબ સાઇટ ધર્મશાળાનું બુકિંગ કરવાને નામે ભક્તોને છેતરી રહી હોવાનું સામે આવ્યું.
- ફેક sarangpurtrustdharmashala.co.in આ વેબસાઈટ પ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન દેવના સારંગપુર ટ્રસ્ટના નામથી ઇન્ટરનેટ ઉપર છે.
- આ પહેલા પણ સાળંગપુર હનુમાન મંદિરની બનાવી હતી ફેક વેબસાઈટ
જો જો તહેવારોમાં કષ્ટભંજન દેવ સાળંગપુરના દર્શને જવાનું વિચારતા હોય તો ચેતી જજો, કારણ ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરવા ક્યાંક બુકિંગના રૂપિયા ખોવાનો વારો ન આવે. કારણ સાળંગપુર ટ્રસ્ટના નામની વેબ સાઇટ ધર્મશાળાનું બુકિંગ કરવાને નામે ભક્તોને છેતરી રહી હોવાનું નવસારી સાયબર ક્રાઈમની તપાસમાં ખુલ્યુ છે. જોકે સાળંગપુર મંદિર દ્વારા ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ થતું જ નથી.
જ્યારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. સાથે જ શાળાઓમાં પણ વેકેશન પડશે, એટલે મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળશે. ત્યારે ભેજાબાજો, લોકોને ઓનલાઇન હોટલ કે ધર્મશાળા બુકિંગની વેબસાઈટ ઉપર ફસાવાની તૈયારી કરી બેઠા છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે આવી જ એક વેબસાઈટ શોધી છે.
બોલો ફોક sarangpurtrustdharmashala.co.in આ વેબસાઈટ પ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન દેવના સારંગપુર ટ્રસ્ટના નામથી ઇન્ટરનેટ ઉપર છે. એમાં ધર્મશાળા માટે ઓનલાઈન બુકિંગ થાય છે. પરંતુ આ વેબસાઈટ ઓપન કરતા જ તેમાં હોટલ જેવા રૂમના ફોટો આવે છે અને તેની સાથે બુકિંગનું બટન છે. જેના ઉપર કોમ્પ્યુટર કે લેપટોપથી ક્લિક કરતા બુકિંગ થતુ નથી. પરંતુ મોબાઈલ ફોનમાં સાઇટ ઓપન કરી, બુકિંગ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ એક મોબાઈલ નંબર આવી જાય છે. જેના ઉપર ફોન કરતા જ રિસેપ્શન ઉપર વાત થતી હોય એવું લાગે છે અને એ નંબર દ્વારા ક્યુઆર કોડ કે મોબાઈલ નંબર ઉપર ઓનલાઈન બુકિંગ કર્યાનું જણાવી ઓનલાઈન પેમેન્ટ મેળવવામાં આવે છે.
જ્યારે અહીં પેમેન્ટ થતા જ તમે છેતરાશો અને ન તો બુકિંગ પ્રમાણે રૂમ મળશે કે ન તો રૂપિયા પરત આવશે. કારણે કે આ વેબસાઈટ ફેક છે. ઉલ્લેખનિય છે કે, સારંગપુર મંદિરની આધિકારિક વેબસાઈટ ઉપર ધર્મશાળાનું કોઈપણ બુકિંગ ઓનલાઈન થતુ ન હોવાની સ્પષ્ટ સૂચના શરૂઆતમાં જ હોમપેજ ઉપર આપવામાં આવી છે. જેથી નવસારી સાયબર ક્રાઈમ પોલીસે લોકોને કોઇપણ ઓનલાઈન ખરીદી કરવા પૂર્વે વેબસાઈટની ખરાઇ કરવા અપીલ કરી છે.
આ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે અને તહેવારોમાં લાખોની સંખ્યામાં લોકો મંદિરે હનુમાનજીના દર્શને આવતા હોય છે. ત્યારે ભેજાબાજોએ એને ધ્યાનમાં રાખીને ઓનલાઈન છેતરપિંડીનું નવું ગતકડું શોધી કાઢ્યું હતું, પરંતુ નવસારી સાયબર ક્રાઈમની ટીમે ઝીણવટભરી તપાસ સાથે સારંગપુર ટ્રસ્ટના નામે ચાલતી ફેક વેબસાઈટ શોધી કાઢી છે. જેથી લોકો વેબસાઈટ ઉપર ઓનલાઈન વહેવાર કરવા પહેલા આધિકારિકતા, સ્પેલિંગ, ગ્રામર તેમજ તાર્કિક રીતે વેબસાઈટની ચકાસણી કર્યા બાદ જ આર્થિક વહેવાર કરે એ હિતાવહ છે.
આવું તો થોડા સમય પહેલા બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. ઉત્તરપ્રદેશના અમરજીત કુમાર મોતીલાલની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપી સાળંગપુર મંદિરની ઘર્મ શાળાના નામે ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકીંગ બાબતે હરિભક્તો સાથે છેતરપીંડી કરતો હતો. હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરિયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપીને તપાસ કરતા આરોપીએ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું.