બરોડા ડેરીમાં બળવો ન થાય તે માટે વડોદરા જીલ્લાના 4 ડિરેક્ટરોની મંડળીને કમલ 81 હેઠળ નોટિસ ઈશ્યુ કર્યાની વિગતો સામે આવી
સહકારમાં “સક્ષમ” ડિરેક્ટરોને દબાણમાં રાખીને ડેરીની સત્તા સોંપવા માટે ખેલાયો ખેલ,સેન્સ પ્રક્રિયાની પૂર્વરાત્રીએ નોટિસો ઈશ્યુ થઈ
હજી છોટાઉદેપુર જીલ્લાના ડિરેક્ટરો અને વડોદરા જીલ્લાના બાકી રહેલા ડિરેક્ટરો પર પણ નોટિસ ઈશ્યુ થશે!
(મૌલિક પટેલ-એડિટર) વડોદરા જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં વર્ષોથી ભાજપના ખેસ ધારણ કરેલા જ સહકારી અગ્રણીઓ સત્તાનું સુકાન સંભાળે છે. જેમાં છેલ્લા 5 વર્ષથી બરોડા ડેરીના શાસકોને ભાજપના જ ધારાસભ્યો પડકાર ફેંકી રહ્યા છે. દૂધઉત્પાદકોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવીને બરોડા ડેરીના મુદ્દાને સતત જીવંત રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન બરોડા ડેરીના ડિરેક્ટરોની ટર્મ પુરી થતા ડેરીમાં વહીવટદાર મૂકીને સંઘના પેટા નિયમોમાં સુધારા કરવાની ગોઠવણ વિરોધી જૂથ દ્વારા ગોઠવવામાં આવી હતી. જોકે ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી જાહેર કરવા માટે હાઇકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જ્યાં તમામ આયોજનો પર પાણી ફરી વળ્યું હતું. આ દરમિયાન હાઇકોર્ટના હુકમને આધારે બરોડા ડેરીના નિયમક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જ્યાં 13 ઝોન પ્રમાણે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના પ્રદેશના નેતાઓનું અહંકાર હણાયો! ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ અને ભાજપ કોંગ્રેસના સહકારી અગ્રણીઓએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યા જોકે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થાય તે પહેલા કેટલાક ઉમેદવારો ભાજપનું મેન્ડેટ મળે તે પહેલા બિનહરીફ થઈ જતા ભાજપના પ્રદેશના નેતાઓનું અહંકાર હણાયું હતું. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો.
મેન્ડેટ સાથે પણ બિનહરીફ થયેલા ડિરેક્ટરોને સત્તાથી દુર રાખ્યાં જે ઉમેદવારોએ ભાજપના મેન્ડેટ સાથે બિનહરીફ થઈને કે ચૂંટણી લડીને જીત્યા હતા. તેઓને સત્તાથી દૂર રાખવાના ચોખટા ગોઠવાયા, જેમાં સમગ્ર બોર્ડ તો ભાજપના જ ડિરેક્ટરોનું બન્યું,પણ “પ્રદેશના નેતાઓથી ઉપરવટ થઈને ચૂંટણી કેવી રીતે જીત્યા?” તે અહમને કારણે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આપવામા વિલંબ કરવામાં આવ્યો.
ડિરેક્ટરોને દબાણમાં રાખવા સહકારી કાયદાઓનો બેધડક ઉપયોગ! ગત સપ્તાહે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે 4 ઓગસ્ટની તારીખ જાહેર કરવામાં આવી, જોકે તે પહેલા સહકારી ક્ષેત્રના દિગજ નેતાઓ બળવો ન કરે તે માટે ચૂંટાયેલા તમામ ડિરેક્ટરોની દૂધ ઉત્પાદક સહકારી મંડળી( જ્યાંથી તેઓ ઠરાવ કરીને ચૂંટણી લડયા હતા તે)ને નોટિસ આપવામાં આવી છે. હાલ વડોદરા જિલ્લાના સહકારી રજીસ્ટ્રારની કચેરી દ્વારા બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ- દિનુમામાં (ઘાયજ દૂધ મંડળી), પૂર્વ ચેરમેન સતીષ પટેલ-નિશાળીયા(નિશાળીયા દૂધ મંડળી), ડભોઇના ડિરેકટર દીક્ષિત પટેલ(નારીયા દૂધ મંડળી), જીલ્લાના પૂર્વ મહામંત્રી અને વાઘોડિયા ઝોનના ડિરેક્ટર સતીષ મકવાણા(અલવા દૂધ મંડળી)માં સહકારી કાયદાની કલમ 81 મુજબ વિવિધ વહીવટી અને હિસાબી ક્ષતિઓ માટે તેઓની મંડળીઓમાં “વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા” તેની નોટિસ આપવામાં આવી છે. ભાજપના જ ડિરેક્ટરોની આજે સેન્સ પ્રક્રિયા થાય તે પહેલા ઈશ્યુ કરવામાં આવેલી આ નોટિસો નાક દબાવીને સત્તા હાસિલ કરવાની રાજનીતિ તરીકે જોવામાં આવે છે. જોકે ચૂંટણી યોજાય તે પહેલા બાકી રહેલા ડિરેક્ટરોની મંડળીઓને પણ નોટિસ મળી જશે! તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના પ્રદેશના નેતાઓને જે ડિરેક્ટરને પ્રમુખ કે ઉપપ્રમુખ બનાવવા છે(તેઓ ભલેને મંડળીમાં 3 વર્ષ પ્રમુખ રહ્યા હોય કે નહીં!)તેઓને નોટિસ ઈશ્યુ થશે નહીં! તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.