વડોદરા પાસેના સાવલીમાં આવેલી કંપનીના હડતાલ પર ગયેલા તથા છુટ્ટા કરાયેલા કર્મચારીઓએ ભેગા મળીને એચ આર મેનેજરની ધુલાઇ કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટનામાં કર્મચારીઓએ માર મારતા એચ આર મેનેજરને સ્પષ્ટ કહી દીધું કે, હવે પછી ક્યારે કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી.
જરોદ પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા (ઉં. 50) (રહે. શિવ શક્તિ સોસાયટી, હાલોલ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સાવલીના વડદલામાં આવેલી મીના સર્કિટ્સ પ્રાઇવેટ લીમીટેડ માં બે વર્ષથી એચ આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા પગાર વધારાની માંગણી તથા શિસ્ત ભંગના પગલાં રૂપે કર્મચારીઓની છુટા કરવામાં આવ્યા છે. કંપનીમાં 200 જેટલા કામદારો બે મહિનાથી યુનીયનની હડતાલ પર ઉતરેલા છે. કંપનીનું કામકાજ સદંતર બંધ હતું. 22, જુલાઇથી કંપનીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.
22, જુલાઇના રોજ કંપનીની બસ છાણી જકાતનાકાથી અલગ અલગ જગ્યાએથી કામે આવતા કંપનીના કર્મચારીઓ-વર્કરોને બેસાડીને કંપનીમાં આવવા નિકળ્યયા હતા. દરમિયાન હોટલ વે-વેઇટ સામે તેઓ કંપનીની બસમાં બેઠા હતા. બસ રેફરલ ચોકડી, જરોદ પાસેથી આગળ વધી રહી હતી. ત્યારે વિશ્વામિત્રી બ્રિજ પહેલા કંપનીના હડતાલ પર ઉતરેલા કામદારો તેમજ કંપનીમાંથી છુટ્ટા કરાયેલા કામદારો ભેગા થઇને ઉભા હતા. તેમણે હાથ ઉંચો કરીને બસ ઉભી રાખી હતી.
દરમિયાન હડતાલ પર ઉતરેલા કામદાર સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા, વડોદરા) એ બસમાં ચઢીને તેમની જોડે ખેંચતાણ અને ધક્કામુક્કી કરી હતી. તે સમયે તેમના ખીસ્સામાં મુકેલો મોબાઇલ અને પૈસા પડી ગયા હતા. દરમિયાન બીજા કામદાર મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) એ દોડી આવીને તેઓ પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા. ગાળો બોલતા કહ્યું કે, તને કંપની ચાલુ કરવાનો બહુ શોખ છે. આજે તારો શોખ પુરો કરી નાંખીએ. હવે પછી ક્યારે કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી.
આ સમયે તેમણે બુમાબુ કરતા સ્ટાફના કર્મચારીઓએ વચ્ચે પડીને મારતા બચાવ્યા હતા. બાદમાં સમગ્ર ઘટના અંગે જરોદ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. બાદમાં ઉપરોક્ત મામલે સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા, વડોદરા), મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મસલ્સ પાવરથી વાત મનાવવાની રીત ઉદ્યોગકારો માટે જોખમકારક!
મહત્વની વાત એ છે કે, સાવલીમાં ઉદ્યોગો સ્થાપવા અને રોજગારી ઉભી કરવા સરકારને વર્ષો લાગ્યા છે. આ વર્ષો દરમિયાન અનેક ઉદ્યોગો સાવલીમાં અને આસપાસના તાલુકામાં સ્થાયી થયા છે. કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હોય કે અન્ય કોઈ બાબત હોય સરકારના નિયત ફોરમ પર તેની લડત આપી શકાય છે. જોકે મસલ્સ પાવરથી ઉદ્યોગકારોને પોતાની વાત મનાવવાના નવા ટ્રેન્ડથી સાવલી માંથી ઉદ્યોગકારો પલાયન કરે તો નવાઈ નહીં, એક ઉદ્યોગ પલાયન થાય તો અસંખ્ય ઘરના ચૂલા પર તેની અસર જોવા મળે. ઉદ્યોગો પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પરિવારો નભતા હોય છે. જ્યારે કર્મચારીઓના હિંસક વલણને કારણે મીના સર્કિટ જેવા મોટા ઉદ્યોગો વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારતા થઈ જાય તો નવાઈ નહીં.!