- ઘટનાનો આરંભ: ડભોઇ રોડના 67 વર્ષીય રિક્ષાચાલક છગનભાઈ વણકરને ભાડાના બહાને મહિલા પેસેન્જરે રિક્ષામાં બેસાડ્યા હતા.
- ઠગાઈની પદ્ધતિ: મહિલાએ ‘છુટા પૈસા નથી’ અને ‘મોબાઈલ ચાર્જ નથી’ એવું બહાનું કાઢીને રિક્ષાચાલક પાસેથી સબંધીને બોલાવવાનું નાટક કર્યું.
- લૂંટનો અંજામ: કારેલીબાગની વાઘેશ્વરી સોસાયટી પાસે પહોંચીને મહિલાએ અગાઉથી તૈયાર ઉભેલા બાઈક સવાર પુરુષની મદદથી ચાલકનો સોનાનો અછોડો તોડી નાખ્યો.
- પોલીસ કાર્યવાહી: રિક્ષાચાલકે પીછો કરતાં મહિલાની ઓઢણી હાથમાં આવી ગઈ હતી, પરંતુ બંને આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પેસેન્જરે રિક્ષાચાલકને જ નિશાન બનાવી લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઇ રોડ સોમાતળાવ પાસે રહેતા 67 વર્ષીય રિક્ષાચાલક છગનભાઈ વણકર ગઈકાલે પોતાની રિક્ષા લઈને સરદાર એસ્ટેટ પાસે હતા, ત્યારે એક મહિલાએ ગેંડા સર્કલ સુધી જવા માટે રિક્ષા ભાડે કરી હતી.મેં તેને અમિતનગર સુધી જવાનો છું તેમ કહેતાં તે રૂ.100 ભાડું નક્કી કરી બેઠી હતી.
રિક્ષામાં બેઠા બાદ મહિલાએ રિક્ષાચાલક સાથે ખૂબ જ વ્યવસ્થિત રીતે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યો હતો. તેણે રિક્ષાચાલકને કહ્યું કે તેની પાસે છુટા પૈસા નથી અને તેનો મોબાઈલ પણ ડિસ્ચાર્જ થઈ ગયો છે, તેથી તે પોતાના સબંધીને બોલાવી રહી છે. આ વાતોમાં આવી ગયેલા રિક્ષાચાલકે શંકા રાખ્યા વગર રિક્ષા આગળ વધારી હતી.
કારેલીબાગની વાઘેશ્વરી સોસાયટી પાસે પહોંચીને મહિલાએ રિક્ષા ઉભી રખાવી હતી અને સબંધી પાસેથી પૈસા લેવાના બહાને નીચે ઉતરી હતી. આ તકનો લાભ લઈને તે મહિલાએ અચાનક રિક્ષાચાલકનો એક તોલાનો સોનાનો અછોડો તોડી નાખ્યો હતો. મહિલાની આ હરકતથી ચાલક ચોંકી ઉઠ્યા હતા.
ત્યાં જ અગાઉથી બાઇક લઈને તૈયાર ઉભેલા એક પુરુષ સાથે મળીને તે મહિલા બાઇક પર બેસી ફરાર થઈ ગઈ હતી. વૃદ્ધ રિક્ષાચાલકે હિંમત હારી નહોતી અને તેમની પાછળ દોડ્યા હતા, જેમાં તેમના હાથમાં મહિલાની ઓઢણી પણ આવી ગઈ હતી. પરંતુ, આરોપીઓ બાઈક પર પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે રિક્ષાચાલકે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલા અને તેના સાથીદારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.