જનતાનો આક્રોશ:ભારે વેરો ચૂકવ્યા છતાં શુદ્ધ પાણી અને સુવિધાઓ ન મળતા નાગરિકોમાં ભારે નારાજગી.
બિસ્લેરી સામે સવાલ:પ્રજા પીવે ગટર મિશ્રિત પાણી અને નેતાઓ પીએ બિસ્લેરી, તેવા આક્ષેપો સાથે વહીવટી તંત્ર સામે રોષ.
પાણીની બોટલ સાથે વિરોધ:કોંગ્રેસ કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ગૃહમાં બોટલ બતાવી શાસકો સામે ઉગ્ર રજૂઆત.
ગૃહમાં હોબાળો:વિપક્ષી સભ્યો વેલમાં ધસી આવી સૂત્રોચ્ચાર કરતા સામાન્ય સભાની કાર્યવાહી અટકાવવી પડી.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરીજનોને મળી રહેલા દૂષિત અને ગટર મિશ્રિત પાણીના મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ જ મુદ્દો ગૃહમાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
🧐સ્થાનિકોમાં આક્રોશ અને સવાલો:
શહેરીજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, જનતા સમયસર વેરો અને ટેક્સ ચૂકવે છે, પરંતુ બદલામાં તંત્ર તરફથી ન તો સારા રસ્તા મળે છે કે ન તો શુદ્ધ પીવાનું પાણી. નાગરિકોના જણાવ્યા મુજબ, પ્રજાને ગટર મિશ્રિત ગંદું પાણી પીવાની ફરજ પડે છે, જ્યારે વહીવટકર્તાઓ અને પદાધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને પ્રજાના પૈસે બિસ્લેરીનું પાણી પીએ છે, જે કેટલું વ્યાજબી છે? જનતામાં એવી ચર્ચા છે કે એક દિવસ આ જ દૂષિત પાણી જવાબદાર અધિકારીઓ અને સમિતિના સભ્યોને મોકલવું જોઈએ જેથી તેમને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે.
🗣️સામાન્ય સભામાં કેવા દ્રશ્યો સર્જાયા?
આ જ લોકરોષનો અણસાર વડોદરા મનપાની સામાન્ય સભામાં જોવા મળ્યો હતો. સભાની શરૂઆતથી જ દૂષિત પાણીના પ્રશ્ને માહોલ ગરમ હતો. કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ સહિતના સભ્યોએ આક્રમક અંદાજમાં ગૃહમાં પાણીની બોટલ પ્રદર્શિત કરી હતી અને મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેન સામે તીખા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વિરોધ એટલો વધ્યો કે કોંગ્રેસના કોર્પોરેટરો ફ્લોર પર ધસી આવ્યા હતા અને મેયર સામે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ગૃહમાં સર્જાયેલી આ અરાજકતા અને હોબાળાના પગલે આખરે સામાન્ય સભાની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી હતી. શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા સુધારવામાં તંત્ર નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે વિપક્ષ અને પ્રજા દ્વારા શાસકોને ઘેરવામાં આવ્યા છે.