તંત્રની ઉદાસીનતા:અનેક રજૂઆતો છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી; રહીશોએ હવે લાલ આંખ કરી.
વોટની ચેતવણી:“જો વિકાસની ગાડી આવી રીતે ફસાયેલી ના જોવી હોય તો સમજી-વિચારીને વોટ કરજો” – રહીશોનો મિજાજ.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં રસ્તાઓની દયનીય સ્થિતિએ તંત્રના ‘વિકાસ’ના દાવાઓ પર સવાલિયા ચિન્હ ઊભું કર્યું છે. બાપોદ વિસ્તારમાં આવેલી દ્વારિકા નગરી પાસે આજે એક માલવાહક ટેમ્પો રસ્તામાં જ ખૂંપી જતાં સ્થાનિકોમાં ભારે હોબાળો મચ્યો હતો.
📌ઘટનાની વિગત:
બાપોદ દ્વારિકા નગરી પાસે પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક રસ્તામાં મસમોટા ખાડામાં અથવા પોલાણને કારણે જમીનમાં ખૂંપી ગયો હતો. ટેમ્પો એવી રીતે ફસાયો હતો કે તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ ટુ-વ્હીલર કે રાહદારી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
🧐રહીશોનો આક્રોશ:
સ્થાનિક રહીશોએ ભેગા થઈને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહીશોનો આરોપ છે કે, “આ વિસ્તારમાં રસ્તાઓની હાલત લાંબા સમયથી ખરાબ છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.” લોકોએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તંત્ર માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, બાકીના સમયમાં જનતા ખાડા અને ગંદકીમાં જીવવા મજબૂર છે.
🗳️ચૂંટણી પહેલા ચેતવણી:
ચૂંટણી નજીક હોવાથી જાગૃત નાગરિકો હવે સોશિયલ મીડિયા અને બેનરો દ્વારા સંદેશો વહેતો કરી રહ્યા છે કે, “વડોદરાના વિકાસની ગાડીને જો આવી રીતે ફસાયેલી જોવા ના માંગતા હોવ, તો આવનારી ચૂંટણીમાં સમજી-વિચારીને મતદાન કરજો.” રહીશોના આ કડક વલણને જોતા આ વખતે ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બની શકે છે.
🫵શું ટેમ્પોની જેમ જનતાનો વિશ્વાસ પણ તંત્ર પરથી ખૂંપી જશે? સ્માર્ટ સિટીના રસ્તાઓ ક્યારે સુધરશે તે જોવું રહ્યું.