- 10 દિવસ પહેલા બાઇક લઇને પાવાગઢ ગયા હતા. ત્યાંથી પરત આવતા જરોદમાં એક ટુ વ્હીલરથી મહિલાનો અછોડો ખેંચતા હાથમાં આવી ગયો
તાજેતરમાં વડોદરા ગ્રામ્ય માં આવતા વાઘોડિયા તાલુકાના રાહકુઇ ગામે રહેતા વૃધ્ધ ભાભીને વિધવા પેન્શનના નાણાં ઉપાડવાના હોવાથી તેમને બેસાડી રસુલાબાદ સ્ટેટ બેન્કમાં જતા હતા. ત્યારે પાછળથી નંબર વગરની બાઇક ઉપર આવેલા બે યુવાનો વૃધ્ધાના ગળામાંથી અછોડો તોડી ભાગ્યા હતા . જેથી વૃધ્ધાએ બુમ પાડવા જતા અચાનક બાઇક પરથી રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જરોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલાની તપાસમાં ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા મળી છે. અને અનેક જિલ્લાઓમાં મોબાઇલ-અછોડા તુટવાના કેસો ઉકેલાવવા પામ્યા છે.
મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. દરમિયાન ટીમને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે માહિતી મળી કે, આ ગુનો વિમલ સતિષ ચંદ્ર અગ્રાવત (રહે. આરએમસી ક્વાટર્સ, ગાંધીગ્રામ, રાજકોટ શહેર) અને રોનક મુકેશભાઇ મારૂ (રહે. વૈશાલી નગર, રૈયારોડ, રાજકોટ) દ્વારા આચરવામાં આવ્યો છે. હાલ બંને કચ્છ પુર્વના મોટી મઉં ગામે રોકાયેલા છે. જેથી એલસીબીની ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. બંનેની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, 10 દિવસ પહેલા બાઇક લઇને તેઓ પાવાગઢ ગયા હતા. ત્યાંથી વડોદરા પરત આવતા જરોદમાં એક ટુ વ્હીલર પર જતી મહિલાનો અછોડો ખેંચતા તે હાથમાં આવી ગયો હતો. અને ટુ વ્હીલર ચાલક અને મહિલા પડી ગયા હતા.
બાદમાં આરોપીઓ વાસદ વાળા રસ્તે થઇને ફરતા ફરતા મોરબીવાળા રોડ પર હડાણા ગામે ગયા હતા. બાદમાં વિમલે જણાવ્યું કે, રાજકોટમાં સોનીની દુકાનમાં ચેઇન વેચી દેવામાં આવી હતી. જેના રૂ. 70 હજાર મળ્યા હતા. આ સિવાય બીદી તોડેલી ચેઇન રાજકોટ અને કચ્છના સોનીને ત્યાં વેચવામાં આવી હતી. જેના રૂ. 1.20 લાખ તેમના થેલામાં હતા. થેલો ચેક કરતા તેમાંથી સોનાની ચેઇન, પેન્ડન્ટ, મોબાઇલ – 5 મળી આવ્યા હતા. બંને પાસેથી બે બાઇક કબ્જે કરવામાં આવી હતી. આ બાઇક ચોરીની હોવાનું બાદની તપાસમાં ખૂલ્યું હતું. હિંમતનગરમાંથી બાઇકની ચોરી કરીને તેની નંબર પ્લેટ બદલી કાઢવામાં આવી હતી. અને તેનો ગુનો આચરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ બાઇક પર અમદાવાદના બાવળા નજીક બે ફો તફડાવવામાં આવ્યા હતા. જેને રાજકોટના હનુમાન ગઢી ગુજરી બજારમાં રૂ. 4 હજારમાં વેચી દેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા ફોન પંદર દિવસ પહેલા ધાંગધ્રા હાઇવે પર માળિયા બ્રિજ પર ત્રણ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આંચકી લેવામાં આવ્યા હતા. સાથે જ આણંદ, સાણંદ, વિઝોલા રીંગ રોડ – અમદાવાદ, કુક્શી – મધ્યપ્રદેશમાંથી સોનાની ચેઇન તફડાવવામાં આવી હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતું.
બંને પાસેથી સોનાની ચેઇન, મોબાઇલ, રોકડા રૂપિયા તથા બાઇક મળીને રૂ. 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીને હસ્તગત કરીને જરોદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનો કેસ ઉકેલવામાં કેટલા સક્ષમ છે, તે આ પરથી અંદાજો લગાવી શકાય છે.