શિક્ષકના પ્રયત્નોથી ખીલી ઉઠી સરકારી શાળા, સક્ષમ શાળાના ખિતાબથી નવાજિત..
એક શિક્ષક ધારે તો શું ન કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ છે રસુલાબાદ નર્મદા વસાહત સરકારી શાળા અને તેના શિક્ષકો. સરકારી શાળાના આચાર્ય શિક્ષકના પ્રયત્નો એ સરકારી શાળાની કાયાપલટ કરી નાખી અને ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓવાળી આ સરકારી શાળા છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 2002માં થઇ હતી. ત્યારથી લઈને આજદિન સુધી આચાર્ય કંદર્પકુમાર પ્રદીપભાઈ પટેલ સંચાલન કરી રહ્યા છે. એક સરકારી શાળાને ગ્રીન સ્કૂલમાં પરિવર્તિત કરવાનો મોટો ફાળો આચાર્યને જાય છે.
આ શાળામાં હાલ બે શિક્ષક કાર્યરત છે તથા 34 વિદ્યાર્થીઓ ભણે છે. આ વિદ્યાર્થીઓ આદિવાસી જે મધ્યપ્રદેશની વસાહત છે ત્યાંથી આવેલા છે. જેમાં 16 છોકરાઓ તથા 18 છોકરીઓ છે. આ સરકારી શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થાય છે. સરકારી શાળા હોવા છતાં પણ ખાનગી શાળા હોય તેવો માહોલ ઊભો કર્યો છે.
વિદ્યાર્થીઓ માટે સર્વાંગી સુવિધાઓ
સુવિધાઓની વાત કરીએ તો બાળકો માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા તથા કુમાર અને કન્યા શૌચાલય, બાગ બગીચો, વાંચન કુટીર, સાત સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા છે. તથા લોક ભાગીદારીથી બાળકોને સ્વેટર, શાળાનો ડ્રેસ, પુસ્તકો, બુટ મોજા પણ આપવામાં આવે છે. અહીંયા બાલવાટિકા થી લઈને ધોરણ પાંચ સુધી ભણાવવામાં આવે છે. સરકારી સહાય ઉપરાંત શાળાના બંને શિક્ષકોએ ભેગા મળીને સ્વખર્ચે શાળાનું ડેવલપમેન્ટ કર્યું.
Advertisement
સરકારની દ્રષ્ટિ સાથે સરકારી શાળાનું રૂપાંતર
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ “સક્ષમ શાળા – મજબૂત ગુજરાત”ના અભિગમ સાથે સરકારી શાળાઓને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસ કરી રહ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, બાલવાટિકા, ગુણોત્સવ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જેવી પહેલે સરકારી શાળાઓને આધુનિક બનાવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી ભણાવો, ડિજિટલ ઈન્ડિયા તથા નવી શિક્ષણ નીતિ 2020 દ્વારા શિક્ષણમાં સમાન તક, ગુણવત્તા અને આધુનિકતા લાવવાનો મજબૂત પાયો નાખ્યો છે. રસુલાબાદ નર્મદા વસાહત શાળા જેવી શાળાઓ એ જ દ્રષ્ટિનો ભાગ છે જ્યાં એક શિક્ષક, સરકારની સહાય અને સમાજના સહકાર અને પોતાના સ્વ ખર્ચ સાથે સરકારી શાળાનું રૂપાંતર કરી શકે છે.
આચાર્ય કંદર્પકુમાર પટેલે જણાવ્યું કે, પોતાની શાળા અને પોતાના બાળકો સમજીને આજદિન સુધી આ શાળાનું સંચાલન કર્યું છે. અહીં આવનાર તમામ બાળકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે, અન્ય બાળકોની સરખામણીમાં પાછળ રહી ન જાય, અને શાળા એ આવવાનું ગમે એનું ખાસ ધ્યાન રાખીએ છે. તથા ગુણોત્સવમાં પણ અમારી શાળાને હંમેશા A તથા A+ પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીઓને એન.એમ.એમ.એસ., સી.ઈ.ટી., વિજ્ઞાન મેળા જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરીએ છે. અને ગત વર્ષે સી.ઈ.ટી. પરીક્ષામાં શાળાના 7 બાળકોમાંથી 5 બાળકો મેરીટમાં આવેલ છે.
વધુમાં જણાવ્યું કે, આવનાર સમયમાં શાળામાં સ્માર્ટ ક્લાસરૂપ તથા શાળા પુસ્તકાલય રૂમ કરવાનો પણ વિચાર છે. જેથી બાળકો બહારની દુનિયામાં શું ચાલે છે એ જાણી શકે. અને સરકારશ્રી અને જિલ્લા શિક્ષણ સમિતિ ,એસ.એસ.એ. કચેરી, D.P.E.O સાહેબશ્રી, T.P.E.O સાહેબશ્રી, B.R.C વાઘોડિયા તથા C.R.C રસુલાબાદનો આભાર વ્યક્ત કરીએ છે કે એમના સહકારથી આટલું કામ કરી શકીએ છે.
સક્ષમ શાળાના ખિતાબથી નવાજિત
રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાને આ 2024-25 વર્ષ દરમિયાન બાળકોએ સ્વછતા, હરિયાળી, પાણી, શૈચાલય, આરોગ્ય, જમીન, સલામતી અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી “સક્ષમ શાળા” નું નિર્માણ કર્યું છે. જેથી કરીને જિલ્લા કક્ષાએ પ્રાથમિક (ગ્રામીણ) શ્રેણીમાં “સક્ષમ શાળા” તરીકે ₹31,000 રૂપિયા રોકડા ઇનામ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તથા તાલુકા કક્ષાએથી પણ ₹11,000 રૂપિયા રોકડા ઇનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત વર્ષ 2022-23માં પણ શાળાને જિલ્લા કક્ષા અવોર્ડ મળેલ છે. વર્ષ 2016-17માં સ્વચ્છ વિદ્યાલય પુરુસ્કારના બે વખત એવોર્ડ, એક નેશનલ એવોર્ડ અને એક જિલ્લા કક્ષા એવોર્ડ મળેલો છે. જેમાં નેશનલમાં ₹50,000 રૂપિયા રોકડા ઇનામ હતું.