✓રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી સલામી આપવામાં આવી
✓ભાવી પેઢી દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાણે તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરે-રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
✓ગુજરાતને વિકસિત ભારત ૨૦૪૭માં દેશનુ ગ્રોથ એન્જીન તરીકે વિકાસની રહે આગળ વધારવા આહવાન કરતા રાજ્યમંત્રીશ્રી
વાઘોડિયા તાલુકાના ટીમ્બી તાલુકા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે. આ જ દિવસે ઇ.સ.૧૯૫૦માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યું હતું. આજના દિવસે આપણા દેશને સંવિધાન દ્વારા લોકશાહી, ન્યાય, સમતા અને બંધુત્વની મજબૂત પાયાની રચના મળી હતી.
રાજ્ય મંત્રીશ્રીએ દેશની એકતા, અખંડતા અને બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે નાગરિકોની જવાબદારી અંગે સૌને જાગૃત થવા અનુરોધ કરી દેશને ‘સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્રને આત્મસાત કરવા અને ગુજરાતને વિકસિત ભારત ૨૦૪૭માં દેશનુ ગ્રોથ એન્જીન તરીકે વિકાસની રહે આગળ વધારવા આહવાને કર્યું હતું.
રાજ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબારી હેઠળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની સહાય, વિધવા સહાય, કિશન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના થકી ઘરે ઘરે ગેસ કનેક્શન આપી મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત આપવાની સાથે સ્વચ્છ ભારત મિશન થકી મહિલાઓને સંમ્માન સમાન ઘરે ઘરે શૌચાલય થકી દેશને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની શીખ આપી છે.
એટલું જ નહીં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, સરદાર પટેલ, ભવન બિરસા મુંડા અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીએ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એમ જણાવી આ વારસો જાળવી રાખી આપણી ભાવી પેઢી તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરવા આહવા્ન કર્યું હતું.
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતે કમોસમી વરસાદની કુદરતી આપદાનો સામનો કર્યો. જેમાં ખેડૂતોને આ આફતની પરિસ્થિતિમાંથી બહાર લાવવા ૨૬ હજાર કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે.
તેમણે અંતે પ્રાકૃતિક ખેતી અને પરંપરાગત ધાન્યોને જીવનશૈલીનો ભાગ બનાવી સ્થાનિક ઉત્પાદનોનની ખરીદીનો આગ્રહ રાખી દેશને આર્થિક રીતે પણ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી દ્વારા પરેડ નિરીક્ષણ કરી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા કુલ-૨૫ જેટલા અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જિલ્લાના ૧૩ વિભાગો દ્વારા યોજનાકિય માહિતી દર્શાવતા ટેબ્લો પ્રદર્શન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હર્ષ ધ્વનીના નાદથી સમગ્ર પરિસર દેશભક્તિમય બન્યો હતો. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો-નૃત્યો, અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હિરપરા, પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થયાં હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના ભાવ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો
પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં વડોદરા ગ્રામ્ય વિસ્તારના PSI, WPSI તથા ASI કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. પુરુષ તથા મહિલા પ્લાટૂન, માઉન્ટેડ પ્લાટૂન તેમજ બેન્ડ શાખાની ઉપસ્થિતિથી કાર્યક્રમ જોશ અને જુસ્સામાં વધારો થયો હતો.
વડોદરા ગ્રામ્ય, વડોદરા, પુરૂષ પ્લાટુન-૧ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- શ્રી જે.જી.વાઘેલા દ્વારા, પુરૂષ પ્લાટુન-૨ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI – શ્રી એસ.સી.સરવૈયા દ્વારા, વડોદરા ગ્રામ્ય, મહીલા, પુરૂષ પ્લાટુન-૩ની આગેવાની પ્લાટુન કમાન્ડર WPSI- શ્રી એન.આર.કદાવલા દ્વારા, વડોદરા ગ્રામ્ય, મહીલા પ્લાટુન-૪ની આગેવાની પ્લાટુન કમાન્ડર PM WPSI-શ્રી પી.એમ.મંડલી દ્વારા,વડોદરા ગ્રામ્ય-૫ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- શ્રી આર.આર.મિશ્રા દ્વારા, માઉન્ટેડ પ્લાટુન એટલે કે ઘોડેસવાર પોલીસ ટુકડી વડોદરા ગ્રામ્ય-૬ની આગેવાની પ્લાટુન કમાન્ડર ASI-શ્રી દિલીપસિંહ અનોપસિંહ દ્વારા, બેન્ડ શાખા પ્લાટુન-૭ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- શ્રી એ.આર.ચૌધરી દ્વારા અને વોલી ફાયર પ્લાટુન-૮ની આગેવાની પ્લાટુન કમાન્ડર PSI- શ્રી જે.એ.ભાવસાર દ્વારા કરવામાં આવી હતી. આ તમામ પરેડનું સંચાલન RPI ઓ.એસ. ભાભોરના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.