- મેગા રિકવરી ડ્રાઈવ: સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં VGL દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાકી ગેસ બિલની વસૂલાત શરૂ.
- મોટી માત્રામાં કનેક્શન કટ: બિલ ન ભરનાર 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કાપી દેવાયા, જેની કુલ બાકી રકમ રૂ. 26.43 લાખ છે.
- રોકડ વસૂલાત: એક જ દિવસમાં સ્થળ પરથી રૂ. 3,46,730/- ની વસૂલાત કરવામાં આવી.
- ટીમની સક્રિયતા: 59 કર્મચારીઓની ટીમ દ્વારા 56 સ્થળોની વિઝિટ કરાઈ, આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.
વડોદરા: વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા લાંબા સમયથી ગેસના બિલની રકમ ન ભરનાર ગ્રાહકો સામે કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે VGL ની ટીમે સઘન ચેકિંગ અને રિકવરી કામગીરી હાથ ધરતા બુટલેગરો અને બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
🧐કયા વિસ્તારોમાં થઈ કાર્યવાહી?
પ્રાપ્ત વિગતો અનુસાર, VGL ની ટીમ દ્વારા અજબડી મિલ રોડ, યાકુતપુરા, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, સોદાગર બિલ્ડિંગ, ચાપાનેર દરવાજા, કોયલી ફળિયા, જુનીગઢી, છીપવાડ, મહેતા પોળ, મુસા પોળ અને જગમલી પોળ સહિતના વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ અનેકવાર ફોન કરવા છતાં બિલ ન ભરનાર ગ્રાહકો આ કાર્યવાહીના સકંજામાં આવ્યા છે.
👮59 કર્મચારીઓ અને પોલીસનો કાફલો મેદાને:
આ રિકવરી કામગીરી માટે VGL દ્વારા બે અલગ-અલગ ટીમોમાં આશરે 59 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા,જ્યારે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સિટી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. ટીમે કુલ 56 જેટલા ગ્રાહકોના પરિસરની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાંથી કેટલાક ગ્રાહકોએ સ્થળ પર જ પોતાના બાકી નાણાં ચૂકવી દીધા હતા.
🫰મોટી રકમની વસૂલાત અને કનેક્શન કટ:
પોલીસ બંદોબસ્ત સાથે થયેલી આ એક દિવસીય કાર્યવાહી દરમિયાન કંપનીએ કુલ રૂ. 3,46,730/- ની રોકડ વસૂલાત કરી હતી. જોકે, વારંવારની નોટિસો છતાં બિલ ન ભરનાર 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા હતા. આ 22 કનેક્શનની કુલ બાકી રકમ આશ્ચર્યજનક રીતે રૂ. 26,43,018/- જેટલી થવા જાય છે. આ ઉપરાંત અગાઉ બંધ કરાયેલા બે કનેક્શનોની બાકી રકમ ભરાઈ જતા તેમને ફરી ચાલુ કરવામાં આવ્યા હતા. VGL ની આ લાલ આંખ બાદ બાકીદારોમાં હડકંપ મચી ગયો છે અને બીજા દિવસે પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી છે.