- ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: બ્રેઝા કારમાં ચોરીનો મુદ્દામાલ લઈ જતી વખતે અક્ષય અને દેવાંગ રાઠવા પોલીસની ઝપટે ચઢ્યા.
- અનોખો હેતુ: મ્યુઝિક સિસ્ટમનો ધંધો શરૂ કરવા માટે ગોડાઉનોના તાળા તોડી એમ્પલીફાયર અને સાઉન્ડ ઉપકરણોની કરી ચોરી.
- મુદ્દામાલ જપ્ત: 9 એમ્પલીફાયર, સાઉન્ડ લિમિટર અને કાર સહિત કુલ ₹10.11 લાખનો મુદ્દામાલ કબજે.
- પોલીસની પોલ ખુલી: દોઢ મહિના પહેલા થયેલી ચોરીની ફરિયાદ છેક આરોપી પકડાયા બાદ નોંધાઈ; પોલીસના ‘વહીવટ’ સામે સવાલો.
વડોદરા: વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોર ભાઈઓની ધરપકડ કરી છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ચોરીના રસ્તે ચઢ્યા હતા. છોટાઉદેપુરના બોડેલીના રહેવાસી અક્ષય અને દેવાંગ ગોપાલભાઈ રાઠવાને પોલીસે કપુરાઈ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બે મોટા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે.
🧐ચોરી પાછળનું કારણ:
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં એમ્પલીફાયર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના સાધનો મળી આવ્યા હતા. કડક પૂછપરછમાં બંને યુવકોએ કબૂલાત કરી હતી કે તેઓ પોતે ‘DJ સિસ્ટમ’ નો ધંધો શરૂ કરવા માંગતા હતા. આ વ્યવસાય માટે જરૂરી મોંઘા સાધનો ખરીદવાને બદલે તેમણે ધનીયાવી રોડ પરના ગોડાઉનોના તાળા તોડીને સાધનો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.
👮પોલીસની ‘અરજી’ પદ્ધતિ સામે રોષ:
આ કેસમાં પોલીસની કામગીરી પર પણ મોટા સવાલો ઉભા થયા છે. જાણવા મળ્યું છે કે આ સાધનોની પહેલી ચોરી દોઢ મહિના પહેલા થઈ હતી, પરંતુ પોલીસે ત્યારે માત્ર ‘અરજી’ લઈને સંતોષ માન્યો હતો. નિયમ મુજબ ઘરફોડ ચોરી જેવો ગંભીર ગુનો ત્વરિત નોંધવો જોઈએ, પરંતુ વડોદરા પોલીસે છેક આજે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા, ત્યારે જ સત્તાવાર ફરિયાદ નોંધી છે. આ ઘટના સાબિત કરે છે કે પોલીસ ચોપડે ક્રાઈમ રેટ નીચો બતાવવા માટે અનેક ગુનાઓ માત્ર કાગળ પર ‘અરજી’ સ્વરૂપે જ દબાઈ રહે છે.
❓શું કબજે કર્યું?
ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ભાઈઓ પાસેથી 9 એમ્પલીફાયર, 1 સાઉન્ડ લિમિટર, 8 ખંજરી અને ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર મળીને કુલ રૂપિયા 10.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
🫵ચોર તો પકડાયા પણ શું પોલીસ પોતાની ‘પહેલા ડિટેક્શન પછી ફરિયાદ’ વાળી આદત બદલશે?