વડોદરા શહેરને તાજેતરમાં નવા ચીફ ફાયર ઓફિસર મળ્યા છે. જોકે આ વાતની ખુશી મનાવવાને બદલે લોકોએ ડરવાની જરૂર લાગી રહી છે. નવા ફાયર ઓફિસરની નિયુક્તિ બાદ જાહેર કાર્યક્રમોમાં ફાયર સેફટીને લઈને ભારે લાલિયાવાડી જોવા મળી રહી છે. જ્યાં મોટી હોનારતને આમંત્રણ આપવામાં આવતું હોય તેમ તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે.
નવલખી મેદાનમાં હાલ આયોજિત ક્ર્રેડાઈ ના રીયલ એસ્ટેટ મહાકુંભમાં ઈમરજન્સી એક્ઝીટના હાલ તાજેતરમાં જોવા મળ્યા છે. આવી અપૂરતી સુવિધા હોવા છતાય પાલિકા હસ્તક ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે NOC પણ આપી દીધી છે. અહીંથી નહિ અટકતા શહેરમાં આયોજિત મોટા આયોજનો પૈકી એક વધુ એક્ઝીબીશનની તપાસ કરતા અહિયાં તો ક્રેડાઈ કરતા પણ બત્તર હાલત સામે આવી છે.
અકોટા વિસ્તારમાં યોજવામાં આવેલા થાયલેન્ડ ઇન્ટરનેશનલ શોપીગ ફેસ્ટીવલ પ્રદર્શનીમાં અસંખ્ય સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં વિદેશી સંસ્કૃતિ સાથે જોડાયેલી કલાકૃતિઓનું પ્રદર્શન તેમજ વેચાણ થઇ રહ્યું છે. માતબર એન્ટ્રી ફી સાથે મુલાકાતીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જ્યાં કોઈ દુર્ઘટના સર્જાય તો ફાયર એક્ઝીટની વ્યવસ્થાના નામે ભારે બેદરકારી જોવા મળી છે. જે સ્થળે ફાયર એક્ઝીટની સાઈન મુકવામાં આવી છે. ત્યાંથી બાહર નીકળવાનો કોઈ રસ્તો જ છોડ્યો નથી. આ સાથે ફાયર એકસ્ટીગ્યુશર પણ રઝળતા પડેલા જોવા મળ્યા છે.
Advertisement
ફાયર એકસ્ટીગ્યુશર ચાલી હાલતમાં છે કે નહિ તેની પણ ખાતરી નથી. ફક્ત NOC મેળળવા માટે મુક્યા હોવાની જણાઈ આવે છે. રોજીંદા હજારો લોકોની મુલાકાત થતી હોય ત્યાં આટલી મોટી બેદરકારી માટે જવાબદાર કોણ ? શું પાલિકા અને ફાયરબ્રિગેડ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?