વડોદરા: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ દરમિયાન સમા વિસ્તારમાં મોડી રાત્રે મંજૂરી વગર મોટા અવાજે DJ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરનારા ત્રણ શખ્સો સામે સમા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
❓શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે તા. 08/03/2026 ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં ભારતની જીત બાદ ઉત્સાહમાં આવી કેટલાક લોકો જાહેર માર્ગો પર ઉતરી આવ્યા હતા. રાત્રિના અંદાજે 23:37 કલાકે સમા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે અભિલાષા ચાર રસ્તા પાસે એક આઈસરમાં મોટા અવાજે DJ વાગી રહ્યું હોવાનું જણાયું હતું.
મોડી રાત હોવાથી અને કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાથી પોલીસે DJ બંધ કરાવવા સૂચના આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આરોપીઓએ પોલીસને ધમકાવતા જણાવ્યું હતું કે, “DJ બંધ નહીં થાય, હજુ પાંચ ગીતો વાગશે… અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો નથી લગાવ્યો, અમે આતંકવાદી નથી” તેમ કહી પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ પેદા કર્યો હતો.
🧐ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત:
સમા પોલીસે સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા બદલ નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે:
- જિતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. સુંદરવન સોસાયટી, ન્યૂ સમા રોડ)
- યોગેશ મધુભાઈ પટેલ (રહે. સાહેબ કૃપા સોસાયટી, ન્યૂ સમા રોડ)
- દેવેન મધુભાઈ જયસ્વાલ (રહે. સાહેબ કૃપા સોસાયટી, ન્યૂ સમા રોડ)
🚨પોલીસ કાર્યવાહી
આ મામલે સમા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 અને 221 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના હેઠળ શહેરના શાંતિ ભંગ કરનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.