વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે. શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકા કરીને ગણેશ મંડળોના પ્રશ્નો તેમની સમક્ષ મુકવામાં આવ્યા છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ પર ગણોશજીની આગમન યાત્રા કાઢી શકાશે નહી, તે સિવાયના દિવસોમાં કાઢી શકાશે તેવી વાત સામે આવતા જ આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પોલીસ કમિશનર કચેરી બહાર આયોજકો દ્વારા સાંસદનું મોઢું મીઠુ કરાવીને તેમના પ્રયત્નો અંગે આભાર માનવામાં આવ્યો છે.
સમગ્ર બેઠકને લઇને સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, આજે પોલીસ કમિશનર સાથે સંકલનની બેઠક મળી છે. તેમાં વડોદરાના મેયર, ચેરમેન તથા ધારાસભ્ય સર્વે તમામ હાજર રહ્યા હતા. ગણેશોત્સવમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હતો. આગમન યાત્રાને લઇને તારીખોમાં અસમંજસ હતી. તે મામલે આયોજકોના અનેક પ્રશ્નો સામે આવ્યા હતા. સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા. સુખદ વાતાવરણમાં ચર્ચા થઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આગમન યાત્રાને લઇને સકારાત્મક વલણ દાખવ્યું છે. આયોજકો દ્વારા આગમન યાત્રાને લઇને જે કોઇ અરજીઓ આપવામાં આવી છે, આવતી કાલથી અરજી મુજબ પગલાં લેવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે, રક્ષાબંધન 19 ઓગસ્ટ અને જન્માષ્ટમી 26 – 27 ઓગસ્ટ આ તારીખોને બાદ કરતા બાકીના દિવસોમાં સુનિયોજીત રીતે ગણેશજીની આયોજન યાત્રા કરવા દેવામાં આવશે. સરકાર અને કોર્ટની ગાઇડલાઇન અનુસાર ડીજે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું કે, આપણા નિતી નિયમો છે, તે પ્રમાણે ડીજે તથા અન્યની વ્યવસ્થાઓ સચવાય. રક્ષાબંધન અને મટકીફોડના કાર્યક્રમ સમયે પોલીસ કમિશનર દ્વારા આગમયાત્રા નહી કાઢવા અંગે રજુઆત કરી છે. પોલીસ પણ સપોર્ટ કરી રહી છે. ત્યારે વડોદરાવાસીઓ પણ પોલીસને સપોર્ટ કરશે. સારી રીતે તહેવારના દિવસો પાર પડશે.
શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, આજની મીટિંગમાં મેયર અને ચેરમેન વિશેષ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા. ગણેશોત્સવ તથા અન્ય તહેવારોના અનુસંધાને ચર્ચા થઇ. એડમિનિસ્ટ્રેટીવ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. દશામાં બાદ સ્વતંત્રતા દિન, રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહ્યા છે. શહેરમાં ગણેશજીનું આગમન થાય છે, તેની આગમનયાત્રામાં આયોજકો તરફથી મળેલી રજુઆતો, તથા ચર્ચાઓના અંતે આગમનયાત્રાઓ 17 તારીખ પછી કરી શકશે. રક્ષાબંધન અને જન્માષ્ટમી તારીખે નહી થઇ શકે. વિસર્જન માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ, કૃત્રિમ તળાવ પાસે બેરીકેટીંગ, ટ્રાફીક મેનેજમેન્ટને લઇને ચર્ચા કરવામાં આવી છે. કેટલાક મુદ્દે પાલિકા તરફથી સહયોગ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં વિસર્જન ટાણે બહારથી પોલીસનું સંખ્યાબળ આવશે. તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો છે. ડીજે પરના દેશમાં પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટના નોટીફીકેશનના આધારે છે. આમાં કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી. આયોજકો સાથે કાયદામાં રહીને સારી રીતે, પરંપરાગત રીતે ઉજવણી થાય તે માટે પોલીસ સંકલન કરીને કામ કરશે.