કોઈ દાવેદાર મળ્યા નથી:પોલીસે તમામ જથ્થો ‘બિનવારસી’ ગણી કાયદેસર રીતે જપ્ત કરી અજાણ્યા તસ્કરો સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા.
ગુજરાતમાં નશાખોરી અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન અંતર્ગત વડોદરા રેલ્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. રેલ્વે સ્ટેશન પર આવતી-જતી ટ્રેનોમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન ઓખા-દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજાનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
🧐શૌચાલયની છત (સીલિંગ) માંથી મળ્યા પેકેટો:
મળતી વિગતો મુજબ, વડોદરા રેલ્વે SOGની ટીમ જ્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી હતી, ત્યારે ઓખા-દ્વારકા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી. પોલીસે ટ્રેનના દિવ્યાંગ (વિકલાંગ) કોચમાં અંદર જઈને તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન દિવ્યાંગ કોચના સંડાસ-બાથરૂમની છત (ટોઇલેટની સીલિંગ) પર પોલીસને કંઈક શંકાસ્પદ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે જ્યારે શૌચાલયની છત ખોલીને અંદર ઝીણવટપૂર્વક તપાસ કરી, ત્યારે અંદર પ્લાસ્ટિકના પેકેટોમાં શાતિર રીતે છુપાવી રાખેલો ગાંજાનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
🚨કુલ કિંમત ₹28.95 લાખ:
રેલ્વે પોલીસે શૌચાલયની છતમાંથી તમામ પેકેટો બહાર કાઢીને વજન કરતા આ જથ્થો કુલ 57.910 કિલોગ્રામ જેટલો હોવાનું સામે આવ્યું છે. આ રિકવર કરાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹28,95,500 (રૂપિયા ₹28.95 લાખ) આંકવામાં આવી છે. ટ્રેનના કોચમાં અને પ્લેટફોર્મ પર આ સામાન અંગે પૂછપરછ કરતા કોઈ વારસદાર કે દાવેદાર ન મળતા, રેલ્વે પોલીસે આ સમગ્ર જથ્થો ‘બિનવારસી’ ગણીને કાયદેસર રીતે જપ્ત કરી લીધો છે.
👮સપ્લાયર અને સ્મગલરોની શોધખોળ શરૂ:
ટ્રેનના સંડાસની છત તોડીને આટલી મોટી માત્રામાં ગાંજો કોણે છુપાવ્યો હતો, તે ક્યાંથી લોડ કરવામાં આવ્યો હતો અને વડોદરા કે અન્ય કયા શહેરમાં આ નશીલા પદાર્થની ડિલિવરી આપવાની હતી, તે દિશામાં વડોદરા રેલ્વે SOG પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. આ માદક પદાર્થની હેરાફેરી કરનારા અજાણ્યા સ્મગલરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જુદા-જુદા રેલ્વે સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજ અને શંકાસ્પદ મુસાફરોની વિગતો તેમજ ચાર્ટ ચકાસીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.