- ટેકનિકલ ખામી: શહેરના 10 માંથી 4 મહત્વના સ્થળે વોટર લેવલ સેન્સર ઠપ.
- તંત્રની બેદરકારી: ચોમાસા પૂર્વે ચેકિંગ અને મેન્ટેનન્સમાં મોટા પાયે છબરડા.
- પૂર વ્યવસ્થાપન જોખમમાં: રિયલ ટાઈમ ડેટાના અભાવે બચાવ કામગીરી પર અસર પડવાની આશંકા.
- લોકોની માગ: જોખમી સ્થિતિને જોતા બંધ સેન્સર્સને તાત્કાલિક કાર્યરત કરવા તંત્રને તાકીદ.
વડોદરા: ચોમાસાની સિઝન શરૂ થતાં જ વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ છે. શહેરમાં પૂરની સ્થિતિ પર નજર રાખવા માટે લાખોના ખર્ચે લગાવવામાં આવેલા વોટર લેવલ સેન્સર્સમાંથી 4 સેન્સર્સ હાલ બંધ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ છે.
❓શું છે સેન્સરનું મહત્વ?
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના 10 મહત્વના સ્થળોએ—જેમાં આજવા, અકોટા બ્રિજ, અશોજ ફીડર, કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, સમા-હરણી બ્રિજ, બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવરનો સમાવેશ થાય છે—વોટર લેવલ સેન્સર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ ટેક્નોલોજીથી પાણીના સ્તરની રિયલ ટાઈમ માહિતી કંટ્રોલ રૂમ સુધી પહોંચતી હતી, જેથીl પૂર જેવી સ્થિતિમાં તંત્રને સમયસર એલર્ટ મળી શકે અને લોકોના જીવ બચાવી શકાય.
🚨તંત્રની બેદરકારીનો ભોગ સેન્સર્સ:
હાલની સ્થિતિએ બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતેના સેન્સર કાર્યરત નથી. જાણવા મળ્યા મુજબ, કેટલાક સ્થળે કેબલ કપાઈ ગયા છે, તો ક્યાંક મેન્ટેનન્સના બહાને સિસ્ટમ બંધ રાખવામાં આવી છે. વર્ષ 2022 પહેલા મેન્યુઅલ પદ્ધતિ હતી, પરંતુ નવી ટેક્નોલોજી આવ્યા બાદ પણ જો સિસ્ટમ બંધ રહેતી હોય તો તેનો કોઈ અર્થ સરતો નથી.
🌧️વરસાદની તીવ્રતા વધે તે પહેલા ચેતવણી:
તાજેતરમાં દેશના અનેક શહેરો પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર થયા છે, ત્યારે વડોદરામાં પણ વરસાદી સિઝન જામી રહી છે. આવા સમયે પૂર વ્યવસ્થાપનની મહત્વપૂર્ણ સ્માર્ટ સિસ્ટમ જ જો બંધ હોય, તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા કોના ભરોસે? તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે. હવે વરસાદનું જોર વધે તે પહેલાં બંધ પડેલી આ સ્માર્ટ સિસ્ટમને તાત્કાલિક રિપેર કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.