Vadodara

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Published

on

  • ખંડણીની નવી ફરિયાદ: કેફે સંચાલક પાસેથી ૨ લાખ રૂપિયાની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપી.
  • દંપતીના કરતૂત: ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી લોકોને આર્થિક રીતે ટોર્ચર કરવાનો આરોપ.
  • વ્યાજખોરી અને ખંડણી: અગાઉ 3 લાખના બદલામાં 12 લાખ પડાવ્યાનો કેસ પહેલાથી જ નોંધાયેલો છે.
  • સઘન તપાસ: પોલીસ રિમાન્ડ દરમિયાન દંપતીની ગેરકાયદે સંપત્તિ અને અન્ય પીડિતો અંગે તપાસ કરવામાં આવી રહી છે

વડોદરા: વડોદરા શહેરમાં ડ્રગ્સના વેચાણ અંગે વીડિયો વાયરલ કરીને સમાજસેવક હોવાનો ડોળ કરનાર તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદ પોતે જ ગુનાહિત જાળમાં ફસાઈ ગયા છે. પઠાણી વ્યાજખોરીના કેસમાં પહેલેથી જ પોલીસ રિમાન્ડ પર રહેલા આ દંપતી સામે હવે ફતેગંજ વિસ્તારના એક કેફે સંચાલકે ખંડણીની વધુ એક ગંભીર ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવી છે.

શું છે નવો મામલો?

ફરિયાદી કેફે સંચાલક શેખ મોહમ્મદ ઝેદ મોહમ્મદ અયાઝના જણાવ્યા મુજબ, આરોપી દંપતીએ તેમની પાસે 2 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જો રૂપિયા ન મળે તો સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો વાયરલ કરીને કેફે સંચાલકને બદનામ કરવાની અને કેફે બંધ કરાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણથી કંટાળીને અંતે કેફે સંચાલકે પોલીસનો સંપર્ક કર્યો હતો.

🚨ભૂતકાળમાં પણ કરી હતી આવી જ હેરાનગતિ:

આ આરોપી દંપતી અગાઉ આરીફ નામના વ્યક્તિ પાસેથી 3 લાખના વ્યાજ સામે 12 લાખ રૂપિયા પડાવી લેવા અને તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા બદલ પોલીસના સકંજામાં છે. આ કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે સોહેલ સૈયદનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં ખૂનની કોશિશ અને ઠગાઈ સહિતના ૭ ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

👮પોલીસની કડક તપાસ:

ક્રાઈમ બ્રાન્ચ હાલ આ દંપતીના રિમાન્ડ મેળવી રહી છે. પોલીસ એવી આશંકા સેવી રહી છે કે, આ દંપતીએ આવા અનેક નિર્દોષ વેપારીઓને ડરાવી-ધમકાવીને મોટી રકમ પડાવી છે અને ગેરકાયદે સંપત્તિ ઊભી કરી છે. આ દંપતીના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. એક તરફ ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવતા હોવાનો દાવો કરનાર દંપતી જ પોતે ગુનાખોરીના રવાડે ચડ્યું હોવાનું સામે આવતા વડોદરામાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

Trending

Exit mobile version