Vadodara

કોર્ટ કેસ ચાલુ હોવા છતાં બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઇ ગઈ, આખરે હાઇકોર્ટની ફટકાર મળતા પાલિકાના વકીલે માફી માંગી

Published

on

  • કોર્ટમાં સુનવણી ચાલતી હતી તે વચ્ચે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પણ કરી દીધી, તે સમયે પણ વકીલે બાહેંધરી આપી હતી
  • વારંવાર પાલિકાના સત્તાધીશોએ પોતાના વકીલને કોર્ટમાં ખોટા સાબિત કર્યા, આજે કાર્યવાહી કરવાની ચીમકી આપતા બિનશરતી માફી માંગી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગત 7 ઓગસ્ટે સ્થાયી સમિતિની બેઠકમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ 16ની કચેરી બનાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં ઈજારદારના આવેલા ભાવપત્રકમાં અંતિમ નિણર્ય લેવાનો હતો. સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ આ કામગીરીની મંજુરી માટેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સોપી દીધી હતી. જોકે જે જમીન પર કચેરીનું બાંધકામ થવાનું હતું તે જમીનની ફાળવણી માટે હાઈકોર્ટનો ચુકાદો પેન્ડીંગ હોવા છતાંય દરખાસ્તને મંજુરી માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લાવવામાં આવતા આજે હાઈકોર્ટમાં પાલિકાના વકીલે બિનશરતી માફી માંગવી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળની તારીખોમાં આ મામલે હાઈકોર્ટમાં ચાલતા પ્રોસીડીંગ દરમિયાન પાલિકાના વકીલે ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય નહિ લેવાય તેવી બાહેંધરી આપી હોવા છતાંય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત લાવીને પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો જાણે ન્યાય પાલિકાથી પણ ઉપરવટ હોય તેવું વર્તન કરતા આજે પાલિકાના વકીલે ભારે ઠપકો સંભાળવો પડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના દક્ષીણ ઝોનમાં મોજે દંતેશ્વરના રેવન્યુ સર્વે નંબર . 352, મનન પાર્ક સામેની જગ્યામાં જમીન માલિકને ફાઈનલ પ્લોટમાં મળવા પાત્ર જમીન મળી ન હોવાનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં હાલ નામદાર કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોર્ટમાં મેટર પેન્ડીગ હોવા છતાંય ટેન્ડર પ્રક્રિયા કરતા અરજદારે હાઈકોર્ટમાં આ અંગે ફરિયાદ કરી હતી. તે દરમિયાન વડોદરા મહાનગર પાલિકાના વકીલે ન્યાયાધીશ સમક્ષ મૌખિક બાહેધરી આપી હતી કે, “જ્યાં સુધી ચુકાદો નહિ આવે ત્યાં સુધી આ જમીન પર બાંધકામ માટેની કોઈ પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહિ.” એક તરફ પાલિકાના વકીલ કોર્ટમાં બાહેધરી આપતા હતા ત્યારે બીજી તરફ સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકા દ્વારા આજ સર્વે નંબર પર નવીન વોર્ડ 16ની કચેરી બનાવવા માટે દરખાસ્ત ગત 7 ઓગસ્ટની સ્થાયી સમિતિની બેઠકમાં લાવવામાં આવી હતી. આ પહેલા આજ જમીન પર વોર્ડ ઓફીસ બનાવવા માટે પાલિકાએ ટેન્ડર પણ બહાર પાડીને ભાવો પણ મંગાવી લીધા હતા. જોકે બેઠકમાં આ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સોપવાનુ ઠરાવવામાં આવ્યું હતું.

આજે આ વિષયમાં હાઈકોર્ટની સુનવણી દરમિયાન વડોદરા મહાનગર પાલીકા તથા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન તથા સભ્યોને ફટકાર લગાવતા, તેમજ ના. હાઈકોર્ટના મૌખિક હુકમના ભંગ બદલ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા, તેમજ તેમના દ્વારા આચરવામાં આવેલ કામગીરીની ટીકા કરતાં વડોદરા મહાનગર પાલિકાના દ્વારા ના. કોર્ટમાં બિનશરતી માફી માંગી પોતાની ભૂલ સ્વીકારી ઠરાવ નં.63 માં સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ ના. ગુજરાત હાઇકોર્ટમાં આપેલ બાંહેધરી વિરુધ્ધનો હોય તેમ કબૂલી તે ઠરાવ બાબતે ફેર-વિચારણા કરવાની કાર્યવાહી શરૂ કરવાની ના. હાઇકોર્ટમાં બાંહેધરી આપી હતી. જેની આગામી સુનવણી તા. 24 ઓગસ્ટે રાખવામાં આવેલ છે.

Trending

Exit mobile version