Vadodara

વડોદરામાં ઈ-બસ લોકાર્પણનો શો પડ્યો ભારે! બસમાં રીલ બનાવીને પોતાની જ ગાડીમાં ભાગ્યા નેતાઓ, સોશિયલ મીડિયા પર યુઝર્સે ધોયા!

Published

on

  • વડોદરામાં 20 નવી ઈ-બસોના લોકાર્પણ સમયે નેતાઓએ બસમાં મુસાફરી કરી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી હતી.
  • કાર્યક્રમ પૂર્ણ થતાં જ તમામ નેતાઓ પોતપોતાની અલગ અલગ કારમાં રવાના થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.
  • નેતાઓની રીલ પર પબ્લિકે કટાક્ષ કર્યો હતો કે માત્ર પ્રચાર ખાતર નહીં પણ રોજિંદા જીવનમાં જાહેર પરિવહન વાપરો.
  • વડાપ્રધાનની જાહેર પરિવહન વાપરવાની અપીલ વચ્ચે નેતાઓનો આ દેખાડો માત્ર ફોટોશૂટ બની રહેતા લોકોમાં રોષ ફેલાયો છે.

વડોદરા શહેરમાં આજે વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના દિગ્ગજ નેતાઓએ ઈ-બસમાં બેસીને સફર કરી હતી અને સોશિયલ મીડિયા પર રીલ્સ પણ બનાવી હતી. પરંતુ, આ પ્રચાર નેતાઓને ભારે પડ્યો છે કારણ કે કાર્યક્રમ પત્યાની સાથે જ તમામ નેતાઓ પોતપોતાની અલગ કારમાં રવાના થઈ ગયા હતા, જેને લઈને સોશિયલ મીડિયા પર જનતાએ તેમની આ કથની અને કરણી સામે તીખા સવાલો ઉઠાવ્યા છે.

🚌ઈ-બસ લોકાર્પણ અને નેતાઓની સફર:

વડોદરામાં આજે પ્રજાને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાના સંદેશ સાથે 20 નવી ઈ-બસો લોન્ચ કરવામાં આવી હતી. આ અવસરે હાજર રહેલા સાંસદે ઈ-બસમાં મુસાફરી કરતી પોતાની રીલ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જોકે, આ રીલ વાયરલ થતાં જ યુઝર્સે નેતાઓને આડેહાથ લીધા હતા. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું હતું કે, ‘હવે આવી રીતે જ બસમાં મુસાફરી કરો, ભલે ટિકિટ ના લો પણ પેટ્રોલ-ડીઝલ તો બચાવો.’ તો અન્ય એક નાગરિકેતો અન્ય એક નાગરિકે ટકોર કરી હતી કે, ‘બસમાં બેઠા છો તો શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા પણ જુઓ.’

🧐સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ:

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર નેતાઓની આ પોલ ખોલતી અને ટકોર કરતી કેટલીક કોમેન્ટો સતત ડિલીટ પણ કરવામાં આવી રહી છે, જેને લઈને ચર્ચાઓનો દોર વધુ ગરમાયો છે. એક તરફ ઈ-બસમાં બેસીને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાનો દેખાડો કરવામાં આવે છે, અને બીજી તરફ કાર્યક્રમ પૂરો થતાં જ સરકારી કે ખાનગી અલગ કારોમાં કાફલો રવાના થઈ જાય છે તે દ્રશ્યોએ અનેક સવાલો ઉભા કર્યા છે.

🗣️પીએમની અપીલ સામે સવાલ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારધામ ખાતેના એક કાર્યક્રમમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને અલગ-અલગ વાહનોમાં જવાને બદલે એક જ વાહનમાં મુસાફરી કરવા ખાસ અપીલ કરી હતી. ભાજપના આગેવાનો દ્વારા આ વાતના મોટાપાયે ગાણા ગાવામાં આવ્યા હતા, પરંતુ વડોદરાના આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે નેતાઓ માટે આ માત્ર એક દિવસીય ફોટોશૂટ કે પબ્લિકિટી સ્ટંટ બનીને રહી ગયું છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું નેતાઓ માત્ર પ્રચાર માટે જ ઈ-બસનો ઉપયોગ કરશે કે પછી ક્યારેક પોતાના રોજિંદા જીવનમાં પણ ખરેખર જાહેર પરિવહનને અપનાવશે?

Trending

Exit mobile version