Vadodara

આજવારોડ કમલાનગર તળાવ પાસે 61 વર્ષના નિવૃત્ત વડીલના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ગઠીયા ફરાર

Published

on

  • પીડિત અને સમય: વડોદરાના 61 વર્ષીય નિવૃત્ત વડીલ પ્રેમચંદ યાદવ 30 જુલાઈએ સવારે કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક પર ગયા હતા.
  • ઘટના: ટુ-વ્હીલર પર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે પાછળ આવીને ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી.
  • આરોપીઓની માહિતી: બંને આરોપીઓએ સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા અને ચેન આંચકીને દત્તનગર તરફ નાસી છૂટ્યા હતા.
  • પોલીસ તપાસ: આ મામલે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ વિસ્તારમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળેલા એક 61 વર્ષીય નિવૃત્ત વડીલને બે અજાણ્યા ગઠીયાઓએ નિશાન બનાવ્યા હતા અને તેમના ગળામાંથી સોનાની ચેઈન આંચકીને ફરાર થઈ ગયા હતા.

🧐ઘટનાસ્થળ અને પીડિત

પ્રાપ્ત માહિતી અનુસાર, આજવા રોડ પર આવેલી ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 61 વર્ષીય પ્રેમચંદ હરીશંકર યાદવ ગત 30 જુલાઈના રોજ સવારે રાબેતા મુજબ પોતાના ઘરેથી કમલાનગર તળાવ ખાતે મોર્નિંગ વોક માટે ગયા હતા. સવારે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ રસ્તા પર ચાલી રહ્યા હતા, ત્યારે ટુ-વ્હીલર પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની થોડે દૂર વાહન ઊભું રાખ્યું હતું.

🚨ચેઇન સ્નેચિંગની રીત:

ત્યારબાદ વાહન પર પાછળ બેઠેલો આરોપી પ્રેમચંદભાઈની પાછળ-પાછળ ચાલવા લાગ્યો હતો. તક મળતા જ અચાનક તેણે પ્રેમચંદભાઈના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને ઝડપથી આગળ ઊભા રહેલા પોતાના સાથીદારના ટુ-વ્હીલર પર બેસીને દત્તનગર તરફ નાસી છૂટ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાને અંજામ આપનાર બંને આરોપીઓએ સફેદ રંગના શર્ટ અને પેન્ટ પહેર્યા હતા.

👮પોલીસ કાર્યવાહી:

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે આ મામલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા ગઠીયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version