વિશાળ ગ્રાન્ટની ફાળવણી:સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ કુલ 3850 કરોડની ગ્રાન્ટ, જેમાં અમદાવાદને 870 કરોડનો ફાળો.
RCC રોડનો આગ્રહ:ડામરની સરખામણીએ વધુ મજબૂત અને લાંબા આયુષ્યવાળા RCC રોડ બનાવવાની સરકારી તાકીદ.
સ્વચ્છતાનો આગ્રહ:શહેરોમાં સ્વચ્છતા નહીં રાખનાર મહાનગરપાલિકા અને નગરપાલિકાની ગ્રાન્ટ બંધ કરવાની ચીમકી.
ગુણવત્તા અને મોનિટરિંગ:અધિકારીઓને માત્ર ફાઈલો પર જ નહીં, પણ ફિલ્ડમાં જઈ સાઈટ વિઝીટ કરીને કામની ગુણવત્તા તપાસવા આદેશ.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને રૂ. 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સૌથી વધુ 870 કરોડની ગ્રાન્ટ મળી છે, જ્યારે વડોદરાને 285 કરોડ અને રાજકોટને ૨૩૨ કરોડની સહાય ફાળવાઈ છે.
🧐RCC રોડનું નિર્માણ અને ગુણવત્તા પર ભાર:
સરકારે હવે નવા રસ્તાઓના નિર્માણ માટે RCC રોડ બનાવવાની તાકીદ કરી છે. જાણકારોના મતે, ડામરના રસ્તાઓનું આયુષ્ય સામાન્ય રીતે 10 વર્ષનું હોય છે, જેની સામે યોગ્ય ડિઝાઈન અને જાળવણી કરવામાં આવે તો RCC રોડ 20 વર્ષ કે તેથી વધુ સમય સુધી ટકી શકે છે. જોકે, ભૂતકાળમાં ડામર રોડની ગુણવત્તામાં ઘટાડો અને ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે હવે સરકાર વધુ સજાગ બની છે.
🗣️સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ બંધ:
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જે શહેરમાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નહીં હોય, ત્યાં સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ નવા આયોજનબદ્ધ કામોની સાથે જૂના કામોની સ્થિતિની પણ સમીક્ષા કરવા અને અધિકારીઓને સાઈટ પર જઈને જાતે વિઝિટ કરી ગુણવત્તા તપાસવા આદેશ આપવામાં આવ્યા છે.
❓ભ્રષ્ટાચાર અને ગુણવત્તા પર સવાલો:
એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, તો બીજી તરફ રસ્તાઓની ગુણવત્તા અંગે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. લાંચ-રુશ્વત અને ભ્રષ્ટાચારના કારણે RCC રોડ પણ સમય પહેલા તૂટી રહ્યા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. હવે સરકાર દ્વારા અપાયેલા આ કડક આદેશો બાદ રસ્તાઓના કામમાં કેટલી પારદર્શિતા અને ગુણવત્તા આવે છે, તે જોવું રહ્યું.