Savli

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Published

on

  • ક્રેનમાંથી પ્લેટ પટકાઈ: પોઇચા (રા) સ્થિત એવિડ કંપનીમાં 20 ફૂટ ઊંચેથી પ્લાયવુડની પ્લેટ પડતા અકસ્માત સર્જાયો.
  • શ્રમિકનું કરુણ મોત: ગંભીર રીતે ઘાયલ થયેલા ચંદન રજવાર નામના મજૂરનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
  • સેફ્ટીના નિયમો સામે સવાલો: કંપનીમાં કામદારોની સલામતીના સાધનો અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતા કામદારોમાં રોષ ફેલાયો છે.
  • પોલીસ તપાસ શરૂ: ભાદરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.

વડોદરા જિલ્લાના સાવલી અને ભાદરવા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક કંપનીઓમાં સલામતીના ધજાગરા ઉડતા હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. સાવલી તાલુકાના પોઇચા (રા) ગામે આવેલી એવિડ (Avid) કંપનીમાં કામકાજ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં એક નિર્દોષ મજૂરનું કરુણ મૃ*ત્યુ નીપજ્યું છે, જેને લઈને કામદારો અને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એવિડ કંપનીમાં ક્રેન દ્વારા અંદાજે 20 ફૂટ જેટલી ઊંચાઈ પર પ્લાયવુડની પ્લેટ ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ક્રેનમાંથી પ્લાયવુડની ભારેખમ પ્લેટ છૂટી પડી ગઈ હતી અને નીચે કામ કરી રહેલા ચંદન રજવાર નામના શ્રમિક પર સીધી પટકાઈ હતી. આ અકસ્માતમાં ચંદન રજવારને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટના બાદ તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મજૂરને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મો*ત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

કંપનીઓમાં કામ કરતા કામદારોની સેફ્ટી અને સલામતીના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે કેમ તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે કંપનીના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને આ દુર્ઘટના પાછળ જવાબદાર પરિબળો અને બેદરકારીની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Trending

Exit mobile version