Vadodara

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Published

on

  • કમિશનર કચેરી પાસે જ ગંદકી: ખંડેરાવ માર્કેટ પાછળ કોર્પોરેશનની મુખ્ય કચેરીની આસપાસ સફાઈના અભાવે ગંદકી ફેલાઈ છે.
  • નાગરિકોની હાલાકી: તીવ્ર દુર્ગંધના કારણે રાહદારીઓ અને નાગરિકોને મોઢે રૂમાલ રાખીને પસાર થવાની ફરજ પડી રહી છે.
  • વેપારીઓની મનમાની: નોટિસો અને દંડની કાર્યવાહી છતાં કેટલાક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવવાનું ચાલુ જ છે.
  • નાગરિકોનો આક્રોશ: જનતા પાસેથી વેરો અને દંડ વસૂલતું તંત્ર પોતાની આસપાસની સફાઈ પ્રત્યે ઉાસીન હોવાથી ભારે રોષ વ્યાપ્યો છે.

વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના દાવા કરતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની મુખ્ય કચેરી ખાતે જ વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા મ્યુનિસિપલ કમિશનરની કચેરીની આસપાસ જ સફાઈના અભાવે ગંદકી સામ્રાજ્ય જામ્યું છે. આ ગંદકી અને કચરાના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને નાગરિકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લીધે લોકોને નાકે રૂમાલ રાખીને અવરજવર કરવાની રોજીંદી મજબૂરી બની ગઈ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં કેટલાક બેજવાબદાર વેપારીઓ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવે છે. આ મામલે તંત્ર દ્વારા અગાઉ અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે, નોટિસો ફટકારવામાં આવી છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ છે. તેમ છતાં વેપારીઓ પર તેનો કોઈ જ પ્રભાવ પડતો ન હોય તેમ સ્થળ પર ગંદકીના ગંજ જામ્યા છે. એક તરફ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્વચ્છતા અભિયાનો ચલાવીને નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ ખુદ કોર્પોરેશનની પોતાની કચેરીની આસપાસ જ આ પ્રકારની દયનીય સ્થિતિ જોવા મળતા તંત્રની કામગીરી અને ઈમાનદારી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ સ્થિતિને લઈને નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જાગૃત નાગરિકો અને કરદાતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “દુનિયાને શીખવાડતા પહેલા પોતે અનુસરવું જોઈએ એ કહેવત અહીં બિલકુલ પરફેક્ટ બેસે છે. લોકો પાસેથી બેફામ દંડ વસૂલવામાં આવે છે અને વેરો ઉઘરાવવામાં આવે છે, તો પછી તંત્ર પોતાની આસપાસની સફાઈ રાખવાનું કેમ ભૂલી જાય છે?”

સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે માત્ર કાગળ પરની નોટિસો કે દંડ પૂરતા સીમિત ન રહેતા, ગંદકી ફેલાવતા તત્વો સામે કડક અને સતત ફોજદારી કે વહીવટી પગલાં લેવામાં આવે. શહેરમાં મોટી મોટી સ્વચ્છતાની વાતો કરતાં પહેલાં કોર્પોરેશને પોતાની કચેરીની આસપાસના વિસ્તારમાં નિયમિત અને અસરકારક સફાઈ ઝુંબેશ હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે.

Trending

Exit mobile version