મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યું એટલે ઘણા નેતાઓ અંદરોઅંદર નારાજ ફરી રહ્યા છે. નારાજગી ફક્ત ધારાસભ્યો સુધી સીમિત રહી નથી, હવે પોતાના ધારાસભ્યને મંત્રી ન બનાવતા હવે કાર્યકરો અને જીલ્લાના રાજકીય આગેવાનો પણ દુઃખી થયા છે. શિસ્તના નામે આ દુઃખ ગમ્મે તેટલું છુપાવે, પણ ક્યાંકને ક્યાંક છલકી આવે છે. આવા જ એક નારાજ અને દુઃખી ભાજપના નેતાની સોશ્યલ મીડિયામાં કરેલી કોમેન્ટ આખે ઉડીને વળગી છે.
વડોદરા જીલ્લા માંથી સિનિયોરિટી પ્રમાણે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર મંત્રી મંડળમાં સ્થાન મળે તે માટે મજબૂત દાવેદાર હતા. તેઓ 2012થી ધારાસભ્ય છે અને પ્રથમ ચૂંટણી અપક્ષ લડયા બાદ એક વર્ષમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2014માં નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વાર લોકસભાની ચૂંટણી લડયા ત્યારે કેતન ઇનામદારે વધુને વધુ મતદાન કરાવવા માટે તનતોડ મહેનત કરી હતી. વડોદરા જિલ્લામાં તે સમયના હાલ એક પણ ધારાસભ્ય સત્તામાં નથી. 2017,2020 અને 2022ની બેચના ધારાસભ્યો કેતન ઈનામદાર કરતા જુનિયર છે.
વર્ષ 2024માં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની ટીકીટ કપાયા બાદ કેતન ઈનામદારને હાંસિયામાં મૂકી દેવામાં આવ્યા હતા. જે પહેલા પણ કેટલીક વાર જીદે ચઢીને ધાર્યુ કરાવવા માટે રાજીનામું ધરી દેવાની ચીમકી આપી ચુક્યા હતા.
જેટલી જેટલી વાર ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી તેટલી વાર તેઓ સાથેના સમર્થકો પણ રાજીનામું ધરી દેવા તૈયાર હતા. તેમાં ભાજપના ચિન્હ સાથે તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા અને ડેસર APMCના પૂર્વ ચેરમેન રાજેશ પટેલ પણ રાજીનામું આપી દેવા કેતન ઈનામદાર સમર્થકમાં સૌથી અવ્વલ ક્રમાંકે હતા.
રાજેશ પટેલ સહિત સાવલી તાલુકાના કેટલાક આગેવાનો કેતન ઇનામદારને મંત્રી પદ મળશે તેવી આશા સાથે ઉત્સુક હતા. જોકે મંત્રી મંડળના વિસ્તરણ સમયે વડોદરા જીલ્લા માંથી કોઈને પણ સ્થાન નહિ મળતા કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ હતી.
જીલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિના કાર્યકાળ દરમિયાન અનેક એવા કિસ્સા બન્યા છે જ્યાં ભાજપના આગેવાનો પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ જાહેરમાં કરે છતાંય તેઓને નોટિસ સુદ્ધા આપવામાં આવતી નથી! જીલ્લા ભાજપની આ નીતિને કારણે હવે ભાજપના નેતાઓ જ ભાજપ વિરુદ્ધ લખતા થઈ ગયા છે. વિરોધનો સુર સોશ્યલ મીડિયામાં જોવા મળે છે. અને લોકોનું ધ્યાન પડે એટલે આશ્ચર્ય થાય કે,એક સમયે ભાજપે જે નેતાને મેન્ડેટ સાથે પદ અને માન સન્માન આપ્યું તેવા નેતાઓ ભાજપ વિશે ભૂંડું બોલી રહ્યા છે!
એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પૂછવામાં પબ્લિક ઓપિનિયનમાં ડેસર APMCના પૂર્વ ચેરમેન અને ડેસર ભાજપના અગ્રણી રાજેશ પટેલ દ્વારા કોમેન્ટ લખવામાં આવી કે,”ભાજપ સરકારનું કામ જો સારું હોત તો પ્રધાન મંડળ ફેરફાર ના કરવો પડત,ફેરફાર કરો છો તેનો મતલબ. તેમનું કામ સારું નથી”. સોશ્યલ મીડિયા પર સામે આવેલી કોમેન્ટ વાંચીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભાજપના શાસનકાળમાં APMC ચેરમેન જેવો મહત્વપૂર્ણ હોદ્દો ભોગવનાર નેતાજીને હવે ભાજપના કામ સારા લાગતા નથી!