- એક રેસ્ક્યૂઅર મગરની નજીક પહોંચ્યો કે તુરંત તેણે મોંઢું ફાડીને અવાજ કર્યો હતો. જેથી તેના રોષનો અંદાજો રેસ્ક્યૂની ટીમને આવી ગયો હતો
વડોદરા પાસે આવેલા જંબુસર તાલુકામાં મહાકાય મગર આવી ચઢતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને જાણ કરવામાં આવી હતી. વોલંટીયર્સ તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર ઘોર અંધારૂ હોવાના કારણે મગરની ચોતરફ ટોર્સ લાઇટ મારીને પ્રકાશ પાથરવામાં આવ્યો હતો. દરમિયાન મગર રોષે ભરાયો હતો. વોલંટીયર્સ અને વન વિભાગના અધિકારીઓને એક કલાકની મથામણ બાદ આશરે 12 ફૂટના મગરને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો છે. અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.
એક સમયે માત્ર ચોમાસામાં મગર બહાર નીકળવાની ઘટનાઓ સામે આવતી હતી. જો કે, સમય જતા હવે ગમે ત્યારે મગર માનવવસ્તી નજીક જોવા મળે છે. ગતરાત્રે વડોદરા પાસે આવેલા જંબુસરના કાવી રોડ પર એક મહાકાય મગર આવી ચઢ્યો હતો. જે અંગે સ્થાનિક વન વિભાગના અધિકારીને જાણ થતા તેમણે વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ ટ્રસ્ટના વોલંટીયર્સ તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર ઘોર અંધારૂ હોવાના કારણે મગર પર ચોતરફથી લાઇટો મારવામાં આવી હતી.
જે બાદ એક રેસ્ક્યૂઅર મગરની નજીક પહોંચ્યો કે તુરંત તેણે મોંઢું ફાડીને અવાજ કર્યો હતો. જેથી તેના રોષનો અંદાજો રેસ્ક્યૂની ટીમને આવી ગયો હતો. જે બાદ સાવચેતી પૂર્વક મગરને રોડ બાજુથી બહાર કાઢીને તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આશરે એક કલાક સુધી આક્રોશિત મગરે રેસ્ક્યૂની ટીમને મથાવ્યા હતા. મગરની આંખો પર કપડું નાંખ્યા બાદ પણ તેણે પોતાનું મોંઢું ખુલ્લુ રાખ્યું હતું. જેથી અંતિમ ઘડી સુધી તે ગુલાંટ મારે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જો કે, કટોકટીભરી સ્થિતીમાં ખુબ જ સાવચેતી રાખીને મગરનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ મગરને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકો તમામે રાહતનો શ્વાસ લીધો હતો.