- પકડાયેલા આરોપી: 1. આયુષ ઉર્ફે લક્કી ડાગા (રહે. સરદારનગર, વડોદરા, મૂળ છત્તીસગઢ). 2. પ્રિતેશ ઉર્ફે સોનુ પંચાલ (રહે. આજવા રોડ, વડોદરા).
- રિકવર મુદ્દામાલ: 14 મોબાઈલ, 2 લેપટોપ, 1 ટેબ્લેટ, 1 એક્ટિવા, ચાર્જર અને રાઉટર.
- આંતરરાજ્ય કનેક્શન: આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશમાં પણ ચોરી કરતી હતી.
- પોલીસની કામગીરી: રેલવે LCB એ ટેકનિકલ એનાલિસિસ દ્વારા વણશોધાયેલા ગુનાઓ ઉકેલી મુસાફરોની સુરક્ષા મજબૂત કરી છે.
વડોદરા રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સુરક્ષાના સારા સમાચાર છે. વડોદરા રેલવે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “મિશન સેફ સ્ટેશન” અંતર્ગત એલ.સી.બી. ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે ટ્રેનોમાં મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડી, અંદાજે 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રેલ્વે પોલીસ મહાનિરીક્ષક કે.એન.ડામોર અને એસ.પી. અભય સોનીની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. ટી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. રાકેશ જગન્નાથને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે અગાઉ પકડાયેલા રીઢા આરોપી આયુષ ડાગાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આયુષે તેના સાથીદાર પ્રિતેશ ઉર્ફે સોનુ પંચાલના નામનો ખુલાસો કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી 14 મોબાઈલ ફોન, 2 મોંઘા લેપટોપ, ટેબ્લેટ અને ચોરીમાં વપરાતું હોન્ડા એક્ટિવા સ્કૂટર મળી કુલ 4,99,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
🧐ડિટેક્ટ થયેલા ગુનાઓ
- વડોદરા રેલવે પોલીસ: મોબાઈલ/સામાન ચોરીનો ગુનો ઉકેલાયો.
- વલસાડ રેલવે પોલીસ: વણશોધાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો.
- ખારઘર સાયબર ક્રાઈમ (મુંબઈ): મહારાષ્ટ્રની અરજીનો નિકાલ.
- ભુવનેશ્વર અને મિર્ઝાપુર: ઓરિસ્સા અને યુપીમાં આચરેલા ગુનાઓની કડી મળી.
👮રેલવે પોલીસની આ ઉમદા કામગીરીથી ટ્રેનોમાં ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેમાં અન્ય કેટલીક મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.