વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના ઉંમરના કારણે અવસાન પામેલા 65 વર્ષિય વૃધ્ધના ગામના એક માત્ર સ્મશાનમાં સવર્ણોએ અંતિમ સંસ્કાર કરવા ન દેતા ભારે વિવાદ સર્જાયો છે. કલાકો સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની દલિતોને ફરજ પડી હતી. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજના લોકો આજે વડુ ખાતે પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવનાર 13 લોકો સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આવેલા દલિતવાસમાં રહેતા 65 વર્ષિય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે અવસાન થયું હતું. પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચ્યા બાદ ડાઘુઓ દ્વારા અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. તે સમયે ગામના સવર્ણો પહોંચી જઇ અંતિમ સંસ્કાર અટકાવી દેતા ભારે હોબાળો મચ્યો હતો.
Advertisement
અંતિમ સંસ્કાર અટકાવી દેતા દલિત સમાજ અને સવર્ણો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઇના મૃતદેહના મોડી સાંજ સુધી અંતિમ સંસ્કાર થયા ન હતા. વિવાદ સર્જાતા વડુ પોલીસ સ્મશાનમાં પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મૃતક કંચનભાઇના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં દલિત સમાજને ફરજ પડી હતી.
જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતીવાદના કૃત્યના દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે પાદરા તાલુકા તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ ભરતભાઇ સહિતના લોકો વડુ પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને ગામના સ્મશાનમાં દલિત સમાજના વ્યકિતના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના નગીનભાઇ પટેલ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.
દલિત સમાજના અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા દલિત સમાજના વ્યક્તિનું મોત નીપજતા ગામના સવર્ણોએ ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા દીધા નથી. જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી છે. અમે દલિત સમાજને રક્ષણ આપવાની માંગણી કરી છે. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનારાઓ વિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,
વડુ પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે જણાવ્યું હતું કે, ગામેઠા ગામના દલિત સમાજના વૃધ્ધનું અવસાન થયું હતું. ગામ લોકોએ તેઓના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. આજે દલિત સમાજના લોકોએ વડુ પોલીસ મથકમાં ગામેઠા ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.