Vadodara

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Published

on

  • નવો કિમિયો: લગ્નના કાર્ડ બાદ હવે પીએમ આવાસ યોજનાની APK ફાઈલ મોકલીને મોબાઇલ હેક કરવાના પ્રયાસો શરૂ થયા છે.
  • કારખાનેદારની સતર્કતા: વડસર રોડના કારખાનેદાર મહેન્દ્રભાઈએ ઓટીપી આવતા જ ત્વરિત પગલાં લઈ 10 લાખ રૂપિયા સુરક્ષિત કરી લીધા.
  • મોટા નુકસાનમાંથી બચાવ: સમયસર મેસેજ વાયરલ કરવાથી અન્ય લોકોના ખાતા ખાલી થતા અટકી ગયા અને માત્ર નહિવત રકમ જ ટ્રાન્સફર થઈ.
  • સાવચેતી જરૂરી: કોઈપણ અજાણી APK ફાઇલ કે રિમોટ એક્સેસ એપ (AnyDesk વગેરે) ડાઉનલોડ ન કરવા સાયબર સેલની કડક અપીલ છે.

લગ્નના ડિજિટલ ઇન્વિટેશનના નામે મોબાઈલ હેક કરવાના કિસ્સાઓ હજી ભૂલાયા નથી ત્યાં હવે ઓનલાઇન ઠગો દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ની એપીકે (APK) ફાઈલ મોકલીને લોકોના ડેટા અને બેંક ખાતા ખાલી કરવાના નવા ખતરનાક કાવતરાં શરૂ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં સદનસીબે લોકોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે સાયબર ઠગોના આ નાપાક મનસૂબા નિષ્ફળ નીવડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડસર રોડ વિસ્તારમાં રહેતા અને કારખાનેદાર તરીકે ધંધો કરતા મહેન્દ્રભાઈ પટેલ પર તેમના જ એક મિત્રના વ્હોટ્સએપ નંબર પરથી પીએમ આવાસ યોજનાની એક એપીકે ફાઇલ આવી હતી. મિત્રની ફાઇલ સમજીને તેમણે જેવી તે લિંક ઓપન કરી કે તુરંત જ તેમના મોબાઈલ પર ઉપરાછાપરી આઠ જેટલા ઓટીપી (OTP) આવવા લાગ્યા હતા. મામલો પારખી ગયેલા મહેન્દ્રભાઈ તાત્કાલિક ચોંકી ગયા હતા અને સમય બગાડ્યા વગર પોતાની પુત્રીની મદદથી બેંક ખાતામાં રહેલી અંદાજે દસ લાખ રૂપિયાની માતબર રકમ તાત્કાલિક બીજા સુરક્ષિત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

આ ઘટના બાદ મહેન્દ્રભાઈએ તરત જ પોતાના મિત્રનો સંપર્ક કરી પૂછપરછ કરતા પોતાનો ફોન હેક થઈ ગયા હોવાનું અને પોતાના કોન્ટેક્ટ લિસ્ટના તમામ નંબરો પર ઓટોમેટિક આ ફાઇલ મોકલાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેમણે ત્વરિત પગલાં લઈને તમામ વ્હોટ્સએપ ગ્રૂપ અને કોન્ટેક્ટ નંબરો પર મેસેજ મોકલી દીધા કે કોઈએ પણ આ ફાઇલ ઓપન ન કરવી. પરિણામે, સમયસર જાગૃતિ દાખવવાના કારણે માત્ર ત્રણ જ વ્યક્તિઓના ખાતામાંથી રૂ. 10 થી 12 હજાર જેટલી નજીવી રકમ જ ટ્રાન્સફર થઈ શકી હતી, જ્યારે બાકીના સેંકડો લોકોના બેંક ખાતા હેક થતા બચી ગયા હતા. ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ આ બનાવ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

🧐સાયબર ઠગો દ્વારા વપરાતી લોકપ્રિય APK ફાઇલોના નામો:

​ઓનલાઇન ઠગો લોકોના મોબાઈલનું રીમોટ એક્સેસ મેળવવા કે ડેટા ચોરવા માટે નીચે મુજબની બનાવટી ફાઇલોનો ઉપયોગ કરતા હોય છે:

  1. કેવાયસી અપડેટ (KYC Update)
  2. ​કોઈપણ બેંકના નામ સાથેની નકલી APK
  3. ​ક્રેડિટ કાર્ડ અપડેટ
  4. ​પીએમ આવાસ યોજના / પીએમ કિસાન યોજના
  5. ​આયુષ્યમાન કાર્ડ / પીએમ સ્વનિધિ
  6. ​એમજીવીસીએલ (MGVCL) / વડોદરા ગેસ લિમિટેડ
  7. ​આધાર કાર્ડ અપડેટ / આઈડી પ્રૂફ
  8. ​આરટીઓ (RTO) ઇ-ચલણ / ગેસ બિલ

Trending

Exit mobile version