તંત્રની બેધારી નીતિ:એક તરફ નદી બચાવવા 1200 કરોડનું બજેટ, બીજી તરફ કાંસ અને નદીમાં કચરો નાખી પુરાણ કરવાની કામગીરી.
પર્યાવરણ પર ખતરો:અદિતિ વિદ્યાલયથી સનસિટી સુધી POP, કાચ અને કેમિકલયુક્ત કચરાના ઢગલા; જલચર પ્રાણીઓના જીવ જોખમમાં.
જળબંબાકારની ભીતિ:નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કરાતા ખિસકોલી સર્કલ, વડસર અને મુંજમહુડા વિસ્તાર ડૂબવાની દહેશત.
જનતાનો આક્રોશ: “શું કરોડોના પ્રોજેક્ટ માત્ર કાગળ પર?” – કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર અને ભાવિકાબેને તંત્રને કર્યા આકરા સવાલ.
વડોદરા: વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના પુનરુદ્ધાર માટે તંત્ર દ્વારા અંદાજે 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમના પ્રોજેક્ટની વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી અને વરસાદી કાંસોમાં કચરાના 20-20 ફૂટ ઊંચા ઢગલા કરીને નદીને પૂરવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
⚠️દબાણ અને ગંદકીનું સામ્રાજ્ય:
અદિતિ વિદ્યાલયથી માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીના વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), બાંધકામનો કાટમાળ અને કાચ જેવા હાનિકારક કચરાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ કચરો ન માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે, પરંતુ આગામી ચોમાસામાં નદીના વહેણને રોકીને કૃત્રિમ પૂરની સ્થિતિ સર્જી શકે છે.
🌊અનેક વિસ્તારો પર ‘પૂર’નું જોખમ:
સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર તેમજ ભાવિકાબેને રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો નજીવા વરસાદમાં પણ સામ્રાજ્ય, ખિસકોલી સર્કલ, મુંજમહુડા, અટલાદરા અને વડસર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે. તંત્ર એકબાજુ નદી બચાવવાના દાવા કરે છે અને બીજી બાજુ એ જ નદીને નષ્ટ કરનારા તત્વો સામે આંખ આડા કાન કરી રહ્યું છે.
🧐[તંત્રને ખુલ્લા સવાલ]
1. શું કરોડોના શુદ્ધિકરણ પ્રોજેક્ટ માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર માટે જ છે?
2. જો ચોમાસામાં જનતાના ઘરોમાં પાણી ભરાશે, તો તેની જવાબદારી પાલિકાના કયા અધિકારી લેશે?
🫵વિશ્વામિત્રી નદીના નામે થતા રાજકારણ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો આ તફાવત વડોદરાવાસીઓ માટે આગામી ચોમાસામાં મોટો ખતરો બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી જનતાએ પૂરના પાણીમાં હોડી ફેરવવાનો વારો આવશે.