તારીખ: 1 જાન્યુઆરી, 2026
વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ મોટી આશા અને તેટલી જ મોટી નિરાશા લઈને આવ્યો. આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી ખાતેના નવનિર્મિત BCA સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાઈ-વોલ્ટેજ વન-ડે મેચ રમાવાની છે. 2010 પછી પહેલીવાર વડોદરામાં મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટ પરત ફરી રહ્યું હોવાથી ચાહકોમાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ આ ઉત્સાહ આજે સવારે મિનિટોમાં જ રોષમાં ફેરવાઈ ગયો.
આજે સવારે 11 વાગ્યે જેવી ઓનલાઈન ટિકિટ બુકિંગ વિન્ડો ખુલી, હજારો ફેન્સ લૉગિન થયા. પણ નવાઈની વાત એ છે કે માત્ર 5 જ મિનિટમાં, એટલે કે 11:05 વાગ્યે તમામ ટિકિટો ‘સોલ્ડ આઉટ’ બતાવવા લાગી. ચાહકોનો આક્ષેપ છે કે આટલી ઝડપથી ટિકિટો પૂરી થઈ જવી એ પારદર્શકતા પર મોટા સવાલિયા નિશાન ઊભા કરે છે.
“અમે 11 વાગ્યાના તૈયાર બેઠા હતા, પણ બુકિંગ શરૂ થતાની સાથે જ બધું ફૂલ થઈ ગયું. શું બધી ટિકિટો ખરેખર જનતાને મળી છે કે પછી અંદરો અંદર વહેંચાઈ ગઈ છે?”
🏏BCA મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલો
મામલો માત્ર ટિકિટો પૂરતો સીમિત નથી. BCAના સભ્ય ડૉ. દર્શન બેન્કરે મેનેજમેન્ટની કાર્યપદ્ધતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ:
- સ્ટેડિયમના બાંધકામ ખર્ચ અને ચૂંટણી પ્રક્રિયામાં અગાઉ પણ પારદર્શકતાનો અભાવ જોવા મળ્યો છે.
- એક જ વ્યક્તિ દ્વારા સંચાલન થતું હોવાથી સંસ્થામાં લોકશાહી જેવું કંઈ રહ્યું નથી.
- ટિકિટ વહેંચણીમાં ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવાઈ હોવાની પણ ચર્ચાઓ છે.
👉 લાંબા સમય બાદ વડોદરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લ્હાવો મળ્યો છે, પણ ટિકિટોની આ અસમંજસને કારણે સાચા ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. શું BCA મેનેજમેન્ટ આ મામલે કોઈ સ્પષ્ટતા કરશે? એ તો હવે જોવાનું રહ્યું.