- આ તકે એસઆરપીના જવાનો દ્વારા જેટલો સામાન બચાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ રીઝર્વ પોલીસ – ગ્રુપ 9 યુનિટના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગી છે. આ સ્ટોરરૂમમાં ટેન્ટ સહિતનો સામાન મુકવામાં આવ્યો હોવાનું અધિકારીએ મીડિયાને જણાવ્યું છે. વિતેલા 2 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. આ તકે એસઆરપીના જવાનો દ્વારા જેટલો સામાન બચાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હતી. પરંતુ મોટું નુકશાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 8 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
વડોદરાના મકરપુરામાં એસઆરપી ગ્રુપ – 9 ના સ્ટોરરૂમ આવેલા છે. આ સ્ટોરરૂમમાં એસઆરપીના જવાનોને જ્યારે બહાર ફરજ માટે મુકવામાં આવે તે સમયે ઉપયોગી ટેન્ટ સહિતનો સામાન મુકવામાં આવ્યો હતો. આ સ્ટોરરૂમની બનાવટમાં લાકડા-પતરાંનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે સવારે આ સ્ટોરરૂમમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.
અત્યાર સુધી વિવિધ ચાર ફાયર સ્ટેશનોમાંથી 8 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા છે. આ ઘટનામાં 6 જેટલા સ્ટોરરૂમમાં મુકવામાં આવેલો સામાનને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક સુત્રોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતા એસઆરપી તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આગની ઘટનામાં જેટલો સામાન બચાવી શકાય તેમ હતો તેને એસઆરપી જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. ફાયર વિભાગની મદદ માટે એસઆરપીના જવાનો પણ જોડાયા હતા .
સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું કે, આગની ઘટના અંગે કોલ મળતા જ ટીમો દોબીને આવી હતી. જીઆઇડીસી, ગાજરાવાડી ફાયર સ્ટેશનથી ટીમો પ્રથમ આવી પહોંચી હતી સ્ટોરરૂમમાં ગેસ સિલિન્ડર પણ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બંધ સ્થળના કારણે જલ્દી નિર્ણય લેવો પડે તેમ હતો. અંદર મટીરીયલ શું હતું તેની માહિતી ના હોવાના કારણે વધુ રીસોર્સ ઉપલબ્ધ રાખ્યા હતા. આગના વિકરાળ સ્વરૂપ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને હાલમાં કુલીંગની કામગીરી ચાલી રહી છે. 45 મીનીટમાં મામલો શાંત પડતો હોવાનું જોવા મળી રહ્યું છે.