Vadodara

વડોદરા ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી: એક્સપ્રેસ વે પરથી ₹1.09 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

Published

on

વડોદરા: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઓપરેશન ‘પરાક્રમ’ હેઠળ કાર્યવાહી કરતા પોલીસે કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા 94 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

  • કુલ મુદ્દામાલ: ₹1,09,29,600/- (એક કરોડ નવ લાખથી વધુ)
  • દારૂની કિંમત: ₹94,23,600/- (કુલ 16,620 બોટલો)
  • ઝડપાયેલ વાહન: કન્ટેનર નંબર RJ 05 GB 2930
  • સ્થળ: લક્ષ્મીપુરા ગામની સીમ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે

📍ઘટનાની વિગત:

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે તપાસ તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન LCB પી.આઈ. કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ એચ.પી. ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે.

પોલીસે પાદરા કટ નજીક વોચ ગોઠવી બાતમી મુજબના કન્ટેનરને કોર્ડન કરી ઝડપી પાડ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા ઉપરના ભાગે બનાવેલા ખાસ ચોર ખાનામાંથી જુદા-જુદા બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 710 પેટીઓ મળી આવી હતી.

🧐પકડાયેલ આરોપી:

પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ગોકલારામ પદમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબ-હરિયાણા બોર્ડર પરથી ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

👮તપાસનો વ્યાપ:

આ ગુનામાં દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર સોહનલાલ બિશ્નોઈ (રહે. બાડમેર, રાજસ્થાન) સહિત અન્ય સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

🚨પોલીસ ટીમની સફળતા:

​આ કામગીરીમાં LCB ટીમના હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિદ્ધરાજસિંહ અને શક્તિસિંહ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Trending

Exit mobile version