વડોદરાના નવલખી મેદાન ખાતે બિલ્ડરોના જૂથ દ્વારા રિયલએસ્ટેટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરને મહાકુંભ તરીકે બિલ્ડરો સંબોધી રહ્યા છે. ત્યારે ફાયરસેફટીના નિયમોનો છડેચોક ભંગ થતો હોવાના કિસ્સાઓ સતત સામે આવ્યા છે. સ્થળ તપાસ વિના જ NOC આપી દેનાર નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસરની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. ત્યાં તો આજે પાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ અહીં મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે જ છેલ્લા ત્રણ દિવસથી સ્ટેન્ડબાય રાખવામાં આવેલું ફાયરટેન્ડર સ્થળ પરથી ખસી જતા અનેક સવાલો ઉભા થયા છે. શું આયોજકો એટલા હદે બેદરકાર થયા છે કે, એક્ઝિબિશન પૂરું થાય તે પહેલાં જ ફાયર સેફટી ખસેડી દેવામાં આવી રહી છે?
રિયલ એસ્ટેટના મહાકુંભના નામે ક્રેડાઈ દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં પ્રથમ દિવસથી જ ધર્મગુરુઓ અને રાજકીય નેતાઓની સતત અવરજવર રહી છે. જાણે બિલ્ડરો જાણે સત્તામાં પોતાની દરમિયાનગીરીની દર્શન કારવવાની કોશિશ કરતા હોય તેમ લાગ્યું હતું. આટ આટલા નેતાઓની અવરજવર ધરાવતા આ રિયલ એસ્ટેટ ફેરમાં ફાયરસેફટીના અનેક ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં ઇમરજન્સી એક્ઝિટના ગેટમાં અવરોધ અને જરૂરી બીજા નિયમોનું ઉલ્લંઘન જણાઈ આવ્યું હતું.
Advertisement
સત્તા પર સવાર થયેલા અતિઅભિમાની મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આજે આ રિયલ એસ્ટેટ ફેરમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓની હાજરીમાં જ એક્ઝિબિશનની સુરક્ષા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવેલા ફાયરટેન્ડરને સ્થળ પરથી ખસેડી દેવામાં આવ્યું હતું. પ્રદર્શનના અંતિમ દિવસે સુરક્ષાની કોઈ પરવાહ ન હોય તેમ આયોજકોનું વર્તન જોવા મળ્યું હતું. સત્તાધીશો અમારી સાથે છે તો અમારું કોઈ શું બગાડી લેશે તેવો સંદેશ આપવા માંગતા હોય તેવા દર્શન થયા હતા. મેયર અને સ્થાયી અધ્યક્ષની હાજરીમાં ફાયરસેફટીના નિયમોના લીરેલીરા ઉડી ગયા છતાંય મૂડીપતિ બિલ્ડરો સામે પાલિકાના સાશકોની લાચારી છલકી આવી હતી.
ફાયર સિસ્ટમ ને લગતું શું શું હોવું જોઇએ.
જ્યાં હજારો લોકો રોજ આવે છે તેવા ક્રેડાઇ વડોદરાના પ્રોપર્ટી શોમાં ફાયર રિટારડન્ટ પેઇન્ટ છે કે નહી તેની ચકાસણી કરવી જોઇએ તથા યોગ્ય સંખ્યામાં ફાયર બકેટ, એસ્ટીંગ્યુઝર, 200 લીટર ડ્રમ પણ હોવા જોઇએ. પ્રોપર્ટી શોમાં ઇમરજન્સી ગેટના નામ માત્રના બોર્ડ લાગેલા છે પણ વાસ્તવમાં તે ઇમરજન્સી ગેટ છે જ નહીં. કોઇ પણ ગેટ પર ઇમરજન્સી ગેટના બોર્ડ લગાડી દેવાથી કામ પુરુ થતું નથી . કોઇ પણ સ્થળે કેટલી પબ્લીકની અવરજવર છે તે પ્રમાણે ઇમરજન્સી ગેટ બનાવાના હોય છે. પ્રોપર્ટી શોમાં નીચે ફ્લોરીંગ સિસ્ટમ નથી કે સમગ્ર શોના સંકુલમાં આપાતકાલિન ચિન્હો કે સૂચનો પણ નિયમ મુજબ લગાવાયેલા નથી. આ ઉપરાંત ઇમરજન્સીના સમયે ફાયર વ્હીકલ ચારે બાજુ ફરી શકે તેટલી જગ્યા હોવી પણ જરુરી છે. પ્રોપર્ટી શોમાં જનરેટરો મુકેલા છે પણ ફાયર સેફ્ટીના સાધનો જ મુકાયા નથી. ઉપરાંત ફાયર બ્રિગેડનો બંદોબસ્ત પણ મુકાયો છે પણ જોતાં જ એવું લાગે છે કે ફાયર સિસ્ટમ જ નથી તો પછી ફાયર બ્રિગેડનો સ્ટાફ કામગિરી કેવી રીતે કરી શકશે. ચોંકાવનારી વાત તો એ છે કે ફૂડ કોર્ટ અંદર ના હોવું જોઇએ પણ ટેન્ટથી 10 ફૂટદુર હોવો જોઇએ કારણ કે ફૂડકોર્ટમાં ગેસના સિલીન્ડરો હોય છે. જો કોઇ દૂર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ છે.