- સંબંધો લોહિયાળ: ન્યુ વીઆઈપી રોડના ખોડિયાર નગરમાં પૈસાની લાલચમાં પુત્રએ પિતા પર ઝીંક્યા ચપ્પુના ઘા.
- ક્રૂરતાની પરાકાષ્ઠા: પૂજારી પિતા ઘરે પરત ફર્યા ને પુત્ર હાર્દિકે આદરી બોલાચાલી; ઉશ્કેરાઈને પિતાને કર્યા લોહીલુહાણ.
- હુમલાખોર ફરાર: પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા; હુમલો કરી પુત્ર નાસી છૂટતા પોલીસે હાથ ધરી શોધખોળ.
- ખોડિયાર નગરમાં ચકચાર: સિદ્ધેશ્વર હાર્મનીમાં બનેલી ઘટનાથી રહીશોમાં ભારે આશ્ચર્ય અને ફફડાટ.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં પિતા-પુત્રના પવિત્ર સંબંધને લિાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ખોડિયાર નગર પાસે આવેલા સિદ્ધેશ્વર હાર્મનીમાં રહેતા એક પૂજારી પિતા પર તેમના જ સગા પુત્રએ ચપ્પુ વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
📌ઘટનાની વિગત:
આ વિસ્તારમાં રહેતા અને પૂજારી તરીકે વ્યવસાય કરતા જયંતીભાઈ નાગર રાત્રે જ્યારે પોતાના ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમના પુત્ર હાર્દિકે તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. પિતાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા હાર્દિક ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા સાથે ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. વાત એટલી વણસી ગઈ હતી કે, હાર્દિકે પિતાને બિભત્સ ગાળો ભાંડીને અચાનક ચપ્પુ કાઢી તેમના પર જીવલેણ ઘા ઝીંક્યા હતા.
🚨તપાસ અને કાર્યવાહી:
પિતા લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા, જ્યારે હુમલો કરી કળિયુગી પુત્ર હાર્દિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત જયંતીભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી ફરાર પુત્રને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
🧐પૈસાની ભૂખ માનવીને કેટલો અંધ બનાવી દે છે તેનું આ વરવું ઉદાહરણ છે. પૂજારી પિતા પર હુમલો કરનાર પાપી પુત્ર ક્યારે પોલીસના સકંજામાં આવે છે તે જોવું રહ્યું.