Vadodara

‘ગાંધી સ્વરાજ અને જાગો વડોદરા’ના નેજા હેઠળ ગોરવાથી ખંડેરાવ માર્કેટ સુધી વિશાળ રેલી: મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને અપાયું આવેદનપત્ર

Published

on

  • ડિમોલિશનની નોટિસ સામે વિરોધ રેલી: ગોરવા ટીપી-૫૫ હેઠળ 50 વર્ષથી વસતા પરિવારોને હટાવવાની નોટિસ મળતા મધુનગરથી ખંડેરાવ માર્કેટ સુધી વિશાળ રેલી યોજાઈ.
  • મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર: વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના પરિવારોને બેઘર ન કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને રજૂઆત કરાઈ.
  • તે જ સ્થળે મફત આવાસની માગ: અનામત પ્લોટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ અસરગ્રસ્તોને તે જ જગ્યાએ મફત મકાન ફાળવવા ઉગ્ર માગ.
  • રાજકીય આગેવાનો અને રહીશો જોડાયા: પૂર્વ નેતા અમી રાવત, નરેન્દ્ર રાવત સહિત અંબિકા દલિતવાડી, બોરિયા તળાવ અને મધુનગરના રહીશો મોટી સંખ્યામાં જોડાયા.

સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં ટીપી-૫૫ (TP-55) હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં ઝૂંપડાં ખાલી કરવા અને ડિમોલિશન કરવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા ગરીબ અને શ્રમજીવી પરિવારોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વિના બેઘર ન કરવામાં આવે તેવી પ્રબળ માગ સાથે આજે ગોરવાના રહેવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજીને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ‘ગાંધી સ્વરાજ અને જાગો વડોદરા’ના નેજા હેઠળ આ રેલી ગોરવાના મધુનગરથી શરૂ થઈ ફૂલવાડી બ્રિજ, નિઝામપુરા, કાલાઘોડા, કોઠી-રાવપુરા અને ખંડેરાવ માર્કેટ થઈને સાંજે 4:30 કલાકે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગોરવા ટીપી-૫૫ના પ્લોટ નંબર 107, 111, , 132, 131, 252, 13/2 તેમજ અંબિકા દલિતવાડીના 75 મકાનો, બોરિયા તળાવ-1 અને 2, મધુનગર, શમશેરનગર-1 તથા કરોડિયા રોડના વિસ્તારોમાં વર્ષોથી પરિવારો વસવાટ કરે છે અને તેમના રોજગાર-ધંધા તથા બાળકોનું શિક્ષણ આ જ વિસ્તાર સાથે જોડાયેલા છે.

​રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે ટીપી-૫૫ મંજૂર કરતી વખતે આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે આવાસના પ્લોટ અનામત રાખવામાં આવ્યા હતા, તેમ છતાં હવે પાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે. ભારત સરકારની ઝૂંપડપટ્ટી મુક્ત શહેરની યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત અસરગ્રસ્ત પરિવારોને આ જ સ્થળે મફત આવાસ ફાળવવામાં આવે તેવી માગ કરાઈ છે. આ રજૂઆત અને રેલીમાં પૂર્વ નેતા અમી રાવત અને ઈન્ટુકના અધ્યક્ષ તથા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત મોટી સંખ્યામાં ગોરવાના રહેવાસીઓ જોડાયા હતા.

Trending

Exit mobile version