Vadodara

વડોદરામાં ગેસ સંકટ: કોમર્શિયલ સિલિન્ડરની ભારે અછત વચ્ચે વેપારીઓ લાચાર, ખાણીપીણીના એકમો બંધ થવાની અણી પર

Published

on

  • યુદ્ધની સીધી અસર: વૈશ્વિક તણાવ વચ્ચે વડોદરામાં ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો, લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં.
  • કલેક્ટરને ધા: સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 32થી વધુ યુનિટો અને સાયન્ટિફિક ગ્લાસ એસોસિએશને કરી રજૂઆત.
  • કાળાબજારના આક્ષેપ: અછતનો ફાયદો ઉઠાવી ખાનગી એજન્સીઓ બોટલના ₹5000થી ₹7000 વસૂલતી હોવાનો ગંભીર આરોપ.
  • રોજીરોટીનું સંકટ: ગેસના અભાવે કોલસાની ભઠ્ઠી વાપરવાની નોબત આવી, ઉદ્યોગો ‘મૃત પાય’ અવસ્થામાં.

વડોદરા: એક તરફ સરકારી કાગળો પર ગેસની કોઈ અછત દેખાતી નથી, પરંતુ બીજી તરફ વડોદરાના રસ્તાઓ પર સ્થિતિ કંઈક અલગ જ છે. મિડલ ઈસ્ટના યુદ્ધના પડઘા હવે વડોદરાના રસોડા અને ઉદ્યોગો સુધી પહોંચ્યા છે. શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા નાના-મોટા ખાણીપીણીના લારી-ગલ્લા, ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

🏭ઉદ્યોગો બંધ થવાની ભીતિ:

આજે વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એકમોએ સાયન્ટિફિક ગ્લાસ મેન્યુફેક્ચર એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતીના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ દોડી જઈ રજૂઆત કરી હતી. સંજય જ્યોતિ અને અન્ય અગ્રણીઓએ જણાવ્યું કે, 32થી 33 યુનિટોમાં અંદાજે 2500થી 3000 વર્કરો કામ કરે છે. જો બે-ત્રણ દિવસમાં ગેસનો પુરવઠો નહીં મળે તો આ ઉદ્યોગો સદંતર બંધ થઈ જશે. જોકે, કલેક્ટરે બે-ત્રણ દિવસમાં પુરવઠો પૂરો પાડવાની હકારાત્મક બાહેધરી આપી છે.

🧐વેપારીઓની વ્યથા અને કાળાબજાર:

સ્થિતિ એટલી કફોડી બની છે કે વેપારીઓએ હવે કોલસાની ભઠ્ઠીઓ લાવીને ધંધો ચલાવવો પડી રહ્યો છે, પરંતુ કારીગરો આવી ગરમીમાં કોલસા પર કામ કરવા તૈયાર નથી. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલીક ખાનગી એજન્સીઓ આ સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી રહી છે અને એક સિલિન્ડરના 5000 થી 700પી રૂપિયા જેવા તગડા ભાવ વસૂલી રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે તેમને ઓછામાં ઓછો ૫૦ ટકા કોમર્શિયલ ગેસનો પુરવઠો તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે.

🗣️સામાન્ય માણસની લડાઈ:

પોતાની રોજગારી બચાવવા માટે સામાન્ય માણસ અત્યારે સરકાર પાસે સાચી જવાબદેહીની માંગ કરી રહ્યો છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ અછતને કારણે વડોદરાના નાના વેપારીઓનું જીવવું દુષ્કર બન્યું છે.

👉હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરની બાહેધરી બાદ વડોદરાના ઉદ્યોગો અને વેપારીઓને ક્યારે રાહત મળે છે.

Trending

Exit mobile version